- રીવાઇઝ બજેટમાં અંદાજે 70 કરોડ જેટલો વિવિધ ખર્ચમાં મોટો વધારો થાય તેવું અનુમાન
વર્ષ 2025-26ના ડ્રાફ્ટ બજેટ અને વર્ષ 2024-25ના ડિવાઇઝ બજેટ અંગે પાલિકાના ચીફ એકાઉન્ટન્ટ વિભાગ દ્વારા પાલિકાના વિવિધ વિભાગના વડાઓ સાથે દૈનિક બેઠક ચાલી રહી છે. જેમાં અત્યાર સુધી અંદાજે 40 વિભાગના વડાઓ સાથે બેઠકો કરવામાં આવી છે.
વડોદરા પાલિકાના આગામી બજેટ અંતર્ગત વિવિધ વિભાગોના વડાઓની એકાઉન્ટ વિભાગના ચિફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ વિવિધ વિભાગો સાથે તા. 22થી 25 નવેમ્બર દરમિયાન બેઠકનો દૌર બેઠકો કરી હતી. પરંતુ વિવિધ વિભાગો અને એકાઉન્ટ વિભાગ વચ્ચે લંબાણ પૂર્વક ચર્ચા થતાં નિયત સમય તા. 25 સુધી બેઠકો પૂર્ણ કરવાની હતી તે થઈ શકી નથી અને હજુ સમગ્ર સપ્તાહ દરમિયાન બેઠકોનો દોર ચાલુ રહે તેવી શક્યતાઓ છે.
બીજી તરફ ચાલુ વર્ષે આવેલા અત્યાર સુધીના સૌથી ભયાનક પૂર, વડાપ્રધાન અને મુખ્યમંત્રીના વિવિધ કાર્યક્રમોના કારણે ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થવાનો અંદાજો જણાઈ રહ્યો છે. ખાસ કરીને શહેરમાં આવેલા પૂરના કારણે પાલિકાએ સફાઈ સહિત અને કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવી પડી હતી. તેવી જ રીતે સ્પેનના પ્રધાનમંત્રી અને ભારતના પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની શહેરની મુલાકાત ટાણે લાઇટિંગ, રંગરોગાન સહિતના ખર્ચમાં વધારો થઈ શક્યો હોવાનો અંદાજ છે.
આથી, રીવાઇઝ બજેટમાં અંદાજે રૂપિયા 70 કરોડ જેટલો વિવિધ ખર્ચમાં મોટો વધારો થાય તેવું અનુમાન છે. પાલિકાનો બોજ વધશે તો આગામી સમયમાં વિવિધ યોજનાઓ અને અલગ અલગ ખર્ચમાં મોટા કાપ મુકવા પડે તેવી શક્યતા જણાઈ રહી છે.