ડેસરની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના કેશિયર અને સફાઇ સેવકે 13 ગ્રાહકના 1.54 લાખ ઉપાડી લીધા

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં સ્પેશિયલ ઓડિટ હાથ ધરવામાં આવતા કૌભાંડ બહાર આવ્યું

MailVadodara.com - 1-54-lakhs-from-13-customers-cashier-and-cleaner-of-Central-Bank-of-India-in-Deser

- આ કૌભાંડમાં 8 ગ્રાહકોના અવસાન થઇ ગયા, બનાવ અંગે ડેસર પોલીસમાં ફરિયાદ

- હેડ કેશિયર ગ્રાહકના વાઉચર ભરીને ખાતું ચેક કરીને પૈસા આપવાનું કામ કરતા હતા

વડોદરા જિલ્લાના ડેસરમાં આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા શાખાના કેશિયર અને સફાઇ કર્મચારીએ બોગસ વાઉચર બનાવી 13 ગ્રાહકોના એકાઉન્ટમાંથી ટુકડે-ટુકડે રૂપિયા 1.54 લાખ ઉપાડી લીધા હતા. ચોંકાવનારા આ કૌભાંડમાં 8 ગ્રાહકોના અવસાન થઇ ગયા છે. આ બનાવ અંગેની ફરિયાદ ડેસર પોલીસ મથકમા નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ડેસર પોલીસ મથકમાં દિપકભાઇ ગોપાલભાઈ પિલ્લાઇએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના સાઢાસાલ શાખામાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવે છે. બ્રાન્ચના કેશિયર પ્રમોદકુમાર સિંગ રામનિવાસી સિંગ અને સફાઇકર્મી રમેશભાઇ સોમાભાઇ ગોહિલ ફરજ બજાવે છે. હેડ કેશિયર તરીકે ફરજ બજાવતા પ્રમોદકુમાર સિંગ જે ગ્રાહક વાઉચર ભરીને આપે તેનું ખાતુ ચેક કરીને વાઉચર મુજબના પૈસા આપવાનું કામ કરતા હતા. અમારી બેંકની શાખાના એક ગ્રાહકનું મોત થતા તેના પુત્ર દ્વારા તેમના એકાઉન્ટમાં કેટલા પૈસા જમા થયા? અને કેટલા બાકી છે? તે અંગેની પાસબુકમાં એન્ટ્રી કરાવવામાં આવી હતી. જે કરાવતા પાસબુકમાં પૈસા ઉપાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

આ દરમિયાન એકાઉન્ટધારકના પુત્રએ મેનેજરને આ પૈસા કોણે ઉપાડ્યા? તે સંબંધિત માહિતી માંગતી અરજી આપી હતી. એવી જ રીતે અન્ય ખાતાધારક દ્વારા પણ પૈસા ઉપાડવા અંગે અરજી કરવામાં આવી હતી. આ અંગેની વિગતો રીજનલ મેનેજરને જણાવતા હેડ કેશિયરની બદલી કરી દેવામાં આવી હતી. ત્યારબાદ સ્પેશિયલ ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું. ઓડિટમાં 13 ગ્રાહકોના એકાઉન્ટમાંથી ટુકડે-ટુકડે કરીને 1.54 લાખ ઉપાડવામાં આવ્યા છે. તે પૈકી 8 ગ્રાહકોના તો નિધન થઇ ચૂક્યા છે. તેમના ખાતામાંથી તેમના નામનું વાઉચર ભરીને ખોટી સહીઓ કરીને પોતાના ફાયદા માટે આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ બનાવ અંગે મેનેજરે કેશિયર પ્રમોદકુમારસિંગ રાવનિવાસીસિંગ અને સફાઇ સેવક રમેશભાઇ સોમાભાઇ ગોહિલ સામે ડેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments