- વિશ્વામિત્રી નદીમાં આવતા પૂર પર નિયંત્રણ લાવવા પ્રતાપ સરોવર, હરિપુરા, વડદલા તળાવ સહિતનાં તળાવોમાં પાણી સંગ્રહની ક્ષમતા વધારવા વિચારણા
આ વર્ષે ચોમાસા દરમિયાન વડોદરાની વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરે શહેરના અનેક વિસ્તારોમાં તારાજી સર્જી હતી. પૂરના પાણીને કારણે લોકોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.
વડોદરાની વિશ્વામિત્રી નદીમાં વારંવાર સર્જાતી પૂરની સમસ્યાના કારણે ભારે ખાનાખરાબી સર્જાતી હોય છે. ત્યારે આ સમસ્યાથી શહેરીજનોને કાયમી છુટકારો મળે એ માટે સરકાર દ્વારા પૂર્વ સચિવની અધ્યક્ષતામાં વિશ્વામિત્રી પૂર નિયંત્રણ કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી દ્વારા અલગ અલગ વિભાગોનાં મંતવ્યો મેળવી એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જે 15 ડિસેમ્બર પહેલાં સરકાર સમક્ષ રજૂ કરવામાં આવે એવી શક્યતા છે. પૂરની સ્થિતિથી બચવા માટે આજવા સરોવરની જળસંગ્રહ ક્ષમતા વધારવા, હેઠવાસમાં નવો ડેમ બનાવવા સહિતનાં સૂચનો કરવામાં આવ્યાં છે.
વિશ્વામિત્રી પૂર નિયંત્રણ કમિટીના અધ્યક્ષ બી.એન. નવલાવાલાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠક બે કલાક ચાલી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીના સલાહકાર એસ.એસ. રાઠોડ, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, ફોરેસ્ટ વિભાગ, એમ.એસ. યુનિવર્સિટીના પ્રોફેસર, નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા અને પોતાના અભિપ્રાયો આપ્યા હતા.
કમિટીની બેઠક બાદ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદીમાં આવતા પૂર પર નિયંત્રણ લાવવા માટે આજવા સરોવર, પ્રતાપ સરોવર, હરિપુરા, વડદલા તળાવ સહિતનાં તળાવોમાં પાણી સંગ્રહની ક્ષમતા વધારવી, આજવા સરોવરનો ઐતિહાસિક 62 દરવાજા ડેમની આગળ નવો ડેમ બનાવવો, શક્ય હોય ત્યાં વિશ્વામિત્રી નદી ઊંડી અને પહોળી કરવાનું વિચાર કરવામાં આવ્યો છે. આ અંગે વિવિધ વિભાગના હાજર રહેલા તજજ્ઞોએ પોતાનાં સૂચનો રજૂ કર્યાં હતાં.
વિશ્વામિત્રી નદી માટે બનાવવામાં આવેલી વિશ્વામિત્રી પૂર નિયંત્રણ કમિટીના અધ્યક્ષ અને ભારત સરકારના પૂર્વ સચિવ બી. એન. નવલાવાલાએ જણાવ્યું હતું કે વિશ્વામિત્રી અંગેનો રિપોર્ટ લગભગ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આગામી 15 ડિસેમ્બર 2024 સુધીમાં સરકારમાં રજૂ કરવામાં આવશે. વિશ્વામિત્રી નદીમાં આવતા પૂર પર નિયંત્રણ લાવવા માટે આજવા સરોવર, પ્રતાપ સરોવર તેમજ હરિપુરા, વડદલા સહિત તળાવોમાં જળ ક્ષમતા વધારવી અને વિશ્વામિત્રી નદીને ઊંડી અને શક્ય ત્યાં પહોળી કરી શકાય.
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં આ વર્ષે ચોમાસા દરમિયાન ત્રણ પૂર આવ્યાં હતાં. વિશ્વામિત્રી નદીનું પાણી અડઘા વડોદરા શહેરમાં ઘૂસી જતાં શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડવાને કારણે અને આજવા સરોવરમાંથી પાણી છોડાતાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.