- વીજ નિગમ દ્વારા ડીપી ખસેડવાની કામગીરી દરમિયાન ખોદકામ કરતા તૂટી ગયેલી ડ્રેનેજ લાઇનના કારણે રહીશો ચાર-પાંચ દિવસ સુધી પરેશાન થયા
વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં નાળા છેલ્લા ચાર પાંચ દિવસથી વીજ નિગમ દ્વારા ડીપી ખસેડવાની કામગીરી દરમિયાન ખોદકામ કરતા ડ્રેનેજ લાઈનનો મેન હોલ બેસી જતા પાણીની, ગટરની તેમજ વરસાદી ગટર લાઈન તૂટી જતા આ વિસ્તારના રહીશો ભારે હેરાન થઈ ગયા છે. છેવટે હોબાળો થતાં કોર્પોરેશનનું તંત્ર આળસ ખંખેરીને આજથી દોડતું થયું છે, અને કામગીરી શરૂ કરી છે. આજ સવારથી ડ્રેનેજ લાઈનનો મેલ હોલ બનાવવાનું કામ ચાલુ કર્યું છે. ત્યારબાદ પાણીની લાઈન અને ગટરની લાઈનની કામગીરી કરવામાં આવશે, અને હજુ ત્રણ-ચાર દિવસ કામ પૂર્ણ થતા લાગશે તેમ જણાઈ રહ્યું છે. દરમિયાન આ વિસ્તારના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે ખોદકામ દરમિયાન બેદરકારી દાખવતા અને લોકોને હેરાન ગતિ થતા વીજ નિગમને નોટિસ ફટકારવાની માગણી કરતા નિગમને નોટિસ આપવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
નવાયાર્ડ વિસ્તારમાં અંબેમાતાના મંદિર પાસે વીજ નિગમની કામગીરી દરમિયાન ખોદકામ થતાં મેનહોલ બેસી જતા આજુબાજુના સંખ્યાબંધ વિસ્તારોમાં ગટરો ચોકઅપ થઇ ગઈ છે. બાજુ પાણીની લાઈન તૂટી જવાથી પાણીની હાડમારી શરૂ થઈ છે. ટેન્કર દ્વારા પાણી વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ ખોદકામને લીધે મોટો ખાડો કરવાથી રસ્તો બંધ થઇ જતા લોકો પાણી ભરવા પણ માંડ જઈ શકે છે. બહાર નીકળવું અઘરું થઈ ગયું છે. વીજ નિગમની ખોદકામની બેદરકારીને કારણે આ પરિસ્થિતિ ઉભી થતા નોટિસ ફટકારવાની ચાર દિવસથી માંગણી કરવામાં આવી છે, ત્યારે તંત્ર એ હવે નોટિસ આપવા તજવીજ હાથ ધરી છે.