- મગરોનો ત્રાસ હોવાથી રીપેરીંગ કામ કરવા નદીમાં ઉતરેલા માણસોએ મગરોને દૂર રાખવા નેટ બાંધવા સહિત ફટાકડા અને બોમ્બના ધડાકા કરી કામગીરી પૂર્ણ કરી
મહી નદીથી આવતી પીવાના પાણીની લાઈનમાં દોઢ બે મહિનાથી ભંગાણ થતાં હજારો લિટર પાણી વેડફાઈને નકામું વહી ગયું હતું પાણીની આ લાઈન વિશ્વામિત્રી નદીમાંથી પસાર થાય છે. છેવટે ગઈકાલે તંત્રની આંખ ખુલતા મોડે મોડે પણ રીપેરીંગ કામ કર્યું હતું.
વિશ્વામિત્રી નદીમાં મગરોનો ખૂબ ત્રાસ હોવાથી રીપેરીંગ કામ કરવા નદીમાં ઉતરેલા માણસોને જોખમ લાગતું હતું. મગરો નજીક ના આવી જાય તે માટે દૂર નેટ બાંધવા સહિત ફટાકડા બોમ્બના થોડી થોડી વારે ધડાકા કરીને કામગીરી પૂર્ણ કરી હતી. ધડાકાનો અવાજ સાંભળી મગર જે સ્થળે કામગીરી ચાલતી હોય ત્યાં આવતા નથી. જેથી મજૂરો પણ નિશ્ચિંત બની કામગીરી કરી શકે. વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ ફટાકડા બોમ્બના આઠ દસ પેકેટ લાવ્યા હતા અને મગર નજીક સુધી ના આવે તે માટે ધડાકા કરતા રહેતા હતા. આ સમય દરમિયાન રીપેરીંગ કામ પૂર્ણ કર્યું હતું. લાઈનમાં ગાબડું પડતા ઉપર નીચે લોખંડની પ્લેટ મૂકીને ગેસ વેલ્ડીંગ કરી પાણીનું લીકેજ બંધ કર્યું હતું. આ લીકેજ બંધ કરતા પાણીના પ્રેશરમાં હજુ બહુ ફરક પડ્યો નથી. સામાન્ય રીતે લાલબાગ ટાંકીના અંડરગ્રાઉન્ડ સંપમાં 16 થી 17 ફૂટ પાણીનું લેવલ થવું જોઈએ, તેના બદલે 13 કે 14 ફૂટ જ લેવલ થાય છે, તેનું કારણ એ કે મહીસાગર નદીથી પાણીની લાઈનમાં વચ્ચે જુદી-જુદી ટાંકીઓને પણ પાણી અપાતું હોવાથી પ્રેશર તુટે છે. લાલબાગ છેવાડાની ટાંકી હોવાથી પ્રેસર જળવાઈ રહે તે માટે આગળની ટાંકીને પાણી આપતી વખતે પ્રેશર મેન્ટેન કરવામાં આવે તો લાલબાગ ટાંકી હેઠળના પાંચ લાખ લોકોને પાણી પ્રેશરથી મળી રહે. જે લાઈનમાં ભંગાણ થયું હતું તે વિશ્વામિત્રીમાં યવતેશ્વર પાસેથી પસાર થાય છે. વર્ષો જૂની પાણીની આ લાઈન એમએસની છે. જે જર્જરીત થતા મોટું ભંગાણ થયું હતું.