- આરોપી ઈબનુસિયાદ અને અસરફે પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવી વેચી નાખ્યું હતું
- તબીબને ડિજિટલ અરેસ્ટ કરી રકમ જે ખાતામાં ટ્રાન્સફર કરાવી હતી એ ખાતા સામે 130 ફરિયાદો થઈ હોવાનું સામે આવ્યું, સાયબર ક્રાઇમે ફરિયાદીને 32 લાખ પરત અપાવ્યા
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્ય સહિત દેશમાં ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા પડાવી લેવાના બનાવોમાં વધારો થયો છે. વડોદરા શહેરના એક નામાંકિત ડોક્ટરને મુંબઈ સાયબર ક્રાઈમના નામે ડિજિટલ અરેસ્ટ કરી 32 લાખ જેવી માતબર રકમ પડાવી લેનારી ટોળકીના ચાર સાગરીતને વડોદરા સાયબર ક્રાઈમે દબોચી લીધા છે. મહત્ત્વની વાત એ છે કે વડોદરા પોલીસે ભોગ બનનારા તબીબને 32 લાખ રૂપિયાની રકમ પણ પરત અપાવી છે. તબીબને ડિજિટલ અરેસ્ટ કરી રકમ જે ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી એ ખાતા સામે 130 જેટલી ફરિયાદો થઈ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી લોકો ડિજિટલ અરેસ્ટનો ભોગ બની રહ્યા છે ત્યારે એનાથી લોકોને બચવા માટે વડોદરા પોલીસ કમિશનરે કેટલીક મહત્ત્વની ટિપ્સ આપી હતી.
વડોદરા શહેરમાં રહેતા તબીબને થોડા સમય પહેલાં કુરિયરમાંથી એક ફોન આવ્યો હતો, જેમાં સામેવાળી વ્યક્તિએ કહ્યું હતું કે તમારા નામનું એક કુરિયર બેંગકોક જઈ રહ્યું છે, જેમાં ગેરકાનૂની વસ્તુ છે. આ બાબતે અમે મુંબઈ ક્રાઈમ બ્રાંચને જાણ કરી રહ્યા છીએ. એની ગણતરીની મિનિટોમાં જ મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામ પર ફરિયાદી પર બીજો ફોન આવ્યો હતો.
મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે આરોપીઓએ ફોન કરી ફરિયાદીનું વીડિયો નિવેદન લેવા કહ્યું હતું. એના માટે ફરિયાદીને પોતાના મોબાઈલમાં સ્કાઈપી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાંચમાંથી બોલી રહેલા લોકોએ ફરિયાદીનું વર્ચ્યુઅલી નિવેદન લેવાનું શરૂ કર્યું હતું. ફરિયાદીને વિશ્વાસ બેસે એ માટે સામા પક્ષેથી મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામના લેટર અને ફરિયાદીની અંગત માહિતી પણ મોકલવામાં આવી હતી. ત્યાર બાદ અલગ અલગ રીતે ડરાવી ધમકાવી ફરિયાદી પાસેથી અલગ અલગ બે બેંક ખાતાંમાં કુલ રૂપિયા 32,50,000 ઓનલાઈન માધ્યમથી ટ્રાન્સફર કરાવ્યા હતા.
ડિજિટલ અરેસ્ટ મામલે વડોદરા સાયબર ક્રાઈમે બે મુંબઈ અને અમદાવાદ-સુરતના એક-એક આરોપી સહિત કુલ ચારની અટકાયત કરી છે. જેમાં કંપનીના ડિરેક્ટર તરીકે ઓળખ આપનાર ઇબનુસિયાદ પી. અબ્દુલ સલીમ (ઉ.વ. 30, ધંધો- રિયલ એસ્ટેટ, રહે. નવી મુંબઈ), અસરફ અલ્વી (ઉ.વ.36, ધંધો- રિયલ એસ્ટેટ, રહે. નવી મુંબઈ), રૂપિયા ટ્રાન્સફર કરી આપનાર પ્રિન્સ મહેન્દ્રભાઇ રવીપરા (ઉં.વ.20 ધંધો, રહેવાસી કામરેજ સુરત) અને રૂપિયા મેળવનાર ધીરજલાલ લીંમ્બાભાઈ ચોથાણી (ઉં.વ.63 ધંધો. નિવૃત્ત, રહેવાસી નિકોલ અમદાવાદ)નો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા પોલીસે જે ચાર આરોપીને ઝડપી પાડયા છે તે પૈકીના એક ઇબનુસિયાદ પી. અબ્દુલ સલીમ અને અસરફ અલ્વી કંપનીના ડાયરેકટર છે, જેમણે કંપનીના નામે બેંક એકાઉન્ટ ખોલાવેલું અને એ બેંક એકાઉન્ટ વેચીને પોતાનો આર્થિક લાભ મેળવેલો અને આ બેંક ખાતામાં ફરિયાદીએ રૂપિયા 7,50,000 ઓનલાઇન માધ્યમથી ટ્રાન્સફર કર્યા હતાં. આ બેન્ક ખાતા પર કુલ 130 જેટલી NCCRP પોર્ટલ પર ફરિયાદ થયેલી છે. ફરિયાદીએ જે બેંક ખાતામાં રૂપિયા 7,50,000 ટ્રાન્સફર કર્યા હતા એ બેંક ખાતામાંથી ફરિયાદીના રૂપિયા 5,47,501 આરોપી ધીરજલાલ લીમ્બાભાઇ ચોથાણીના બેંક ખાતામાં, સહઆરોપી પ્રિન્સ મહેન્દ્રભાઇ રવિપરાએ થર્ડ પાર્ટી USDT વેચીને ટ્રાન્સફર કરાવ્યા હતા, જે પૈસા આરોપી ધીરજલાલ લીમ્બાભાઇ ચોથાણીએ રોકડ ઉપાડી પોતાનું કમિશન લઈ લીધું હતું.