- 17 વર્ષીય રોશનીએ મધરાત્રે ક્વાર્ટરના છત પર લટકાવેલા પંખા સાથે ઓઢણીથી ફાંસો ખાધો, દાહોદ ખાતે રહેતા પરિવારજનોને જાણ કરતા વડોદરા દોડી આવ્યાં
વડોદરા શહેરના સમા વિસ્તારમાં અભિલાષા ચાર રસ્તા પાસે આવેલી સોસાયટીમાં એક બંગલાના સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતા અને બંગલામાં કામ કરીને માતા-પુત્રી ગુજરાન ચલાવતા હતા. મધરાત્રે સગીરાએ ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ બનાવ અંગે સમા પોલીસે હાલ આપઘાતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
સમા પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે સમા અભિલાષા ચાર રસ્તા પાસે ભાદરણનગર સોસાયટી આવેલી છે. આ સોસાયટીનુ મકાન નંબર-18 કંપની ચલાવતા ગૌતમદાસનું છે. આ મકાનમાં દાહોદના મૂળ વતની રોશનીબેન ડામોર અને તેની માતા કામ કરતા હતા અને આ મકાનના જ સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતા હતા. મધરાત્રે 3 વાગ્યાની આસપાસ 17 વર્ષીય રોશની ડામોરે ક્વાર્ટરના છત પર લટકાવેલા પંખા સાથે ઓઢણીથી ફાંસો ખાઈને લીધો હતો.
વહેલી સવારે માતાએ દીકરીને પંખા સાથે લટકેલી જોતા ચોંકી ઉઠી હતી અને આ અંગેની જાણ મકાન માલિકને કરી હતી. દરમિયાન મકાન માલિકે આ અંગેની જાણ કરતા 108 એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી અને મૃતદેહ નીચે ઉતારીને સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપ્યો હતો. બીજી બાજુ આ બનાવની જાણ સમા પોલીસને કરવામાં આવતા પોલીસ જવાન આનંદસિંહ સ્ટાફ સાથે આવી પહોંચ્યા હતા અને પ્રાથમિક વિગત મેળવીને આગળની તપાસ શરૂ કરી હતી.
આ બનાવની તપાસ કરી રહેલા આનંદસિંહે જણાવ્યું હતું કે, આ બનાવ મધરાત્રે બન્યો છે. આપઘાત કરનાર રોશનીની માતા દીકરીના મૃતદેહને સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં મૂક્યા પછી રહ્યા જતા રહ્યા હતા. સવારે પોસ્ટમોર્ટમ માટે તેઓનો અવારનવાર સંપર્ક કરવામાં આવ્યો છે. પરંતુ, કોઈ કારણસર આવ્યા નથી. પરિણામે રોશનીના દાહોદ ખાતે રહેતા અન્ય પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ વડોદરા ખાતે આવી રહ્યા છે. રોશનીના પરિવારજનો વડોદરા ખાતે આવ્યા બાદ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, હાલ આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે, સગીરા રોશનીએ કયા કારણોસર આપઘાત કર્યો તે રહસ્ય છે. આ બનાવે સોસાયટીમાં ભારે ચકચાર મચાવી મૂકી છે. રોશનીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.