વડોદરાના નવદપતીએ ભારતીય ચલણના બદલે ડોલર મેળવવાની લાલચે રૂપિયા 43 લાખ ગુમાવ્યા

નવદપતીએ લગ્નમાં મળેલાં નાણાથી કેનેડા ખાતે મકાન ખરીદવાનો વિચાર કર્યો હતો

MailVadodara.com - new-married-couple-of-Vadodara-lost-Rs-43-lakh-in-the-temptation-of-getting-dollars-instead-of-Indian-currency

લગ્ન પ્રસંગમાં ભેટ સ્વરૂપે મળેલ નાણાથી કેનેડા મકાન ખરીદવાની ઈચ્છા ધરાવતા નવદંપતિએ ભારતીય ચલણના બદલે કેનેડિયન ડોલર મેળવવાની લાલચમાં રૂપિયા 43 લાખ ગુમાવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દંપતિએ લગ્નમાં મળેલ રોકડ ભેટથી કેનેડામાં મકાન ખરીદવાનું સ્વપ્ન જોયું હતું. પરંતુ, ભેજાબાજ ત્રિપુટીએ તેમના સપના ઉપર પાણી ફેરવી દીધું હતું.

મળેલી માહિતી પ્રમાણે શહેરના ન્યુ સમા રોડ ખાતે રહેતો અર્પણ ભાનુભાઈ પટેલ ઘરેથી મોબાઈલ વેચાણ તથા રીપેરીંગનું કામ કરે છે. 26 જાન્યુઆરીના રોજ તેમના ભાઈ દીપ પટેલના લગ્ન હોવાથી તેઓ કેનેડાથી વડોદરા આવ્યા હતા. અને લગ્ન પ્રસંગમાં ભેટ સ્વરૂપે મળેલ નાણાથી કેનેડા ખાતે મકાન ખરીદવાનો વિચાર કર્યો હતો.

લગ્નમાં દીપ પટેલને ભેટરૂપે ભારતીય રોકડ રકમ મળી હતી. કેનેડામાં મકાન ખરીદવાનું હોવાથી તેઓ ભારતીય ચલણના બદલે ડોલર લેવાના હતા. આથી તેઓ ભારતીય ચલણના બદલામાં ડોલર આપે તેવા વ્યક્તિની તપાસમાં હતા. દરમિયાન તેઓને ગુજરાતી ઇન કેનેડા ગ્રુપમાં ફેસબુકના માધ્યમથી આરતી ઉર્ફે રીંકલ જીતુભાઈ રાદડિયા (મૂળ રહે- જૂનાગઢ /હાલ રહે -કેનેડા ), અંકિત ઉર્ફે ધુમીલ ઉર્ફે જનક જગદીશભાઈ સિદ્પરા (અંકિત કિશોરભાઈ ઢાકેચા) (મૂળ રહે- રાજકોટ /હાલ રહે -કેનેડા )નો સંપર્ક થયો હતો.

ભેજાબાજો સાથે દિપ પટેલની ભારતીય ચલણના બદલે ડોલર આપવા માટે વાર્તાલાપ થયો હતો. ભેજાબાજોએ દિપ પટેલને જણાવ્યું હતું કે, ભારતમાં 43 લાખ આપી દો, હું તમને કેનેડામાં 70 હજાર ડોલર ચૂકવી આપીશ. ત્યારબાદ ભેજાબાજ ત્રિપુટીએ ભારતીય રકમ રૂપિયા 43 લાખ રણછોડભાઈ મેર નામના વ્યક્તિને પહોંચતી કરવા જણાવ્યું હતું.

આ દરમિયાન દીપ પટેલે આંગળીયા મારફતે 43 લાખ રોકડા જમા કરાવ્યા હતા. જે રકમ સુરતથી રણછોડભાઈ મેર નામના વ્યક્તિએ મેળવી લઈ 42.70 લાખ આંગણીયા પેઢી મારફતે કેનેડા ખાતે આરતી અને અંકિતને મોકલી આપ્યા હતા. ત્યારબાદ કેનેડિયન ડોલર મેળવવા સંપર્ક કરતા ત્રણેવના મોબાઇલ ફોન સ્વીચ ઓફ હતા. પોતે છેતરાયા હોવાની જાણ થતા તેમણે સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સમા પોલીસે ફરિયાદના આધારે કેનેડા સ્થિત ભેજાબાજ ત્રિપુટી સામે છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આમ વડોદરાના નવદંપતિએ લગ્નમાં ભેટરૂપે મળેલી રોકડ રકમથી કેનેડામાં મકાન ખરીદવા માટે સેવેલું સપનું રોળાઇ ગયું હતું.

Share :

Leave a Comments