- 177 વ્યક્તિઓમાં બ્લડપ્રેશર, 61માં ડાયાબિટીસ, 195માં લોહીની ઉણપ હોવાનું ફલિત થયું, ઉપરાંત 16 મહિલાઓ સગર્ભા મળી હતી
વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં રસ્તે રખડતા ભિક્ષુકો, કચરો વીણતા નિરાધાર લોકો અને બાળકોને આવરી લઈ એક આરોગ્ય તપાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કેટલાક લોકોમાં ગંભીર બીમારીના લક્ષણ જણાઈ આવતા તેઓના સારા સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈ આનુસંગિક કાર્યવાહી કરવામાં આવી હતી.
વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા એક અનોખી પહેલ હેઠળ અત્યંત ગરીબ લોકો જેમ કે ભિક્ષુક, કચરો વીણતા નિરાધાર લોકો અને બાળકોના સ્વાસ્થ્યની તપાસનો એક અનોખો સેવા યજ્ઞ કરવામાં આવ્યો હતો. શહેરના એવા વિસ્તાર જ્યાં નિયમિત રીતે આવા ભિક્ષુકો અને ગરીબ લોકો જોવા મળતા હોય છે ત્યાં જઈને કોર્પોરેશનની આરોગ્યની ટીમ જેમાં ડોક્ટર અને અન્ય સ્ટાફ દ્વારા ગરીબોના હેલ્થનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.
સમગ્ર તપાસણીમાં કુલ 2210 લોકોને આવરી લેવામાં આવ્યા હતા. જે પૈકી 415 બાળકો હતા, જે રસ્તા પર કચરો વીણવાનું કામ કરતા હતા. ઘણા ભિક્ષુકોની ઉંમર 60ને વટાવી ગઈ હોય તેઓના સ્ક્રિનિંગમાં ખાસ તકેદારી લેવામાં આવી હતી. આવા કુલ 514 લોકોની તપાસ કરાઈ હતી. સમગ્ર તપાસણીમાં 1132 પુરુષ અને 1076 મહિલાઓને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં 503 લોકોને કોઈને કોઈક બીમારીના લક્ષણો જણાઈ આવ્યા હતા. જેમાં 177 વ્યક્તિઓમાં બ્લડપ્રેશર, 61 લોકોમાં ડાયાબિટીસ, 195 લોકોમાં લોહીની ઉણપ (એનિમિયા) હોવાનું ફલિત થયું હતું. સમગ્ર તપાસણીમાં 16 મહિલાઓ એવી મળી હતી જે સગર્ભા હતી. જેથી તેઓને સારી સારવાર મળે અને તેઓની યોગ્ય તકેદારી લેવાય તે અર્થે તેઓને હાયર સેન્ટર પર લાઈન અપ કરવામાં આવી હતી. આ સાથે તેઓની પ્રસુતિ સુધીની કાળજી લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા. 2210 પૈકી 32 કેસમાં સ્પેશિયાલિટી સર્વિસની જરૂર હોવાથી આવા લોકોને મેડિકલ કોલેજ ખાતે રિફર કરવામાં આવ્યા હતા અને 279 દર્દીઓને સારવાર અર્થે અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને યુસીએચસી ખાતે રિફર કરી તેઓની જરૂર મુજબની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી.