વડોદરામાં મોપેડ પર જતી મહિલાનો અછોડો તોડી બાઇકસવાર શખ્સો ફરાર, ઘટના સીસીટીવીમાં કેદ

શહેરમાં સક્રિય બનેલી અછોડા તોડતી ટોળકીએ ધોળે દિવસે ઘટનાને અંઝામ આપ્યો!

MailVadodara.com - bike-riding-men-broke-the-trunk-of-a-woman-riding-a-moped-and-escaped-the-incident-was-captured-on-CCTV

- ગળામાંથી સોનાની ચેઇન ખેંચી ભાગતા બાઈકસવાર લૂંટારાનો મહિલાએ પીછો પણ કર્યો હતો, પરંતુ લૂંટારા શખસો ઓ.પી. રોડ તરફ ભાગી ગયા

- પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ બન્ને અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરી


વડોદરા શહેરમાં સક્રિય બનેલી અછોડા તોડતી ટોળકીએ વધુ એક ઘટનાને અંઝામ આપ્યો છે. જેમાં મોપેડ સવાર મહિલાનો જીવ જોખમમાં મૂકી અછોડો તોડી બે શખસો ફરાર થઇ ગયા હતા. ગળામાંથી સોનાની ચેઇન ખેંચી ભાગતા બાઈકસવાર લૂંટારાનો મહિલાએ પીછો પણ કર્યો હતો, પણ તે ભાગવામાં સફળ થયાં હતા. આ બનાવ બાદ મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે CCTV ફૂટેજના આધારે બન્ને લૂંટારુ શખસને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. તો ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.


આ બનાવ અંગે ભોગ બનનાર નિમીશાબેને જે.પી. રોડ પોલીસ મથકમાં કરેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે, હું અક્ષર ચોક વિસ્તારમાં આવેલી કૈલાસ પાર્ક સોસાયટીમાં પરિવાર સાથે રહું છું. રવિવારે સાંજે મારા પતિ અને હું મારા ઘરેથી એક્ટિવા લઇને મારા ફુવા મરણ પામેલ હોવાથી મુજમહુડા ગયા હતા. જે બાદ ત્યાંથી સાંજે પાંચ વાગે હું એકલી મારી એક્ટિવા લઇ સનફાર્મા રોડ થઇ હિરાનગર સોસાયટીના કટથી પરત મારા ઘરે કૈલાસપાર્ક સોસાયટીમાં જઈ રહી હતી.


આ દરમિયાન હિરાનગર સોસાયટીની બાજુમાં ગેટ આગળ રોડ ઉપર પહોંચતા બે અજાણ્યા શખસો મારી પાછળથી મોટર સાઇકલ પર ધસી આવ્યા હતા. જે પૈકી એક મોટર સાઇકલ ચલાવતા ઇસમે બ્લ્યુ કલરનું પેન્ટ તથા લીલા કલર જેવો શર્ટ પહેર્યો હતો. તેમજ પાછળ બેઠેલ બીજા શખસે બ્લેક કલરનું પેન્ટ તથા આછા લાલ કલરનો લીટી વાળો શર્ટ પહેર્યો હતો. જે બન્ને ઇસમ 25થી 30 વર્ષની ઉંમરના હતા. આ બન્ને શખસો મારા ગળામાં પહેરેલી સોનાની ચેઇન ખેંચી લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. જે બન્ને મોટર સાઇકલ ઉપર ઓ.પી રોડ તરફ ભાગી ગયા હતા. જેનો મેં પીછો પણ કર્યો પણ તે ભાગવામાં સફળ રહ્યાં હતાં.


આ સોનાની ચેઇન આશરે દોઢ તોલાની જેની કિંમત રૂપિયા 50,000 જેટલી હતી. આ ચેન મારા ગળામાંથી તોડી રિલાયન્સ મોલની ગલીમાંથી થઇ ઓ.પી.રોડ તરફ ભાગી ગયા હતા. તેથી આ બે અજાણ્યા શખસ વિરુદ્ધ મહિલાએ જે.પી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ બન્ને અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરી છે.

Share :

Leave a Comments