- કોન્ટ્રાક્ટર1 પર સેફ્ટીના સાધનો આપતા નહિ હોવાના પરિવારના ગંભીર આક્ષેપો
વડોદરા શહેરના સમા વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલ પર સોલાર પેનલો લગાવવામાં આવી છે. આ સોલાર પેનલની નિયમિત સફાઈ માટે નર્મદા નિગમ દ્વારા ઈજારો આપવામાં આવ્યો છે. આ બનાવમાં યુવક સોલાર પેનલ સાફ કરતો હતો તે દરમિયાન અચાનક સોલાર તૂટતા તે કેનાલમાં પડી ગયો હોવાની આ ઘટના બની હોવાનું હાલમાં જાણવા મળ્યું છે. બનાવની માહિતી ફાયર અને પોલીસ વિભાગને મળતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કામગીરી શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વડોદરાના સમા પાસે આવેલ ડોમિનોઝ કેનાલ પર આવેલ સોલાર પેનલ સાફ કરતા કરતા યુવક કેનાલમાં ડૂબ્યો હતો. આ યુવક 31 વર્ષનો છે અને તેનું નામ ચંદ્રેશ અગ્રવાલ છે અને તે છેલ્લાં સાત વર્ષથી સોલાર પેનલ ધોવાનું કામ કરતો હતો. તે ગઈકાલે સાંજે કેનાલ ઉપરની પેનલ સાફ કરતા લથડી ગયેલી સોલાર પેનલ તૂટતા ચંદ્રેશ અગ્રવાલ કેનાલમાં ખાબક્યો હોવાની વિગતો ફાયર વિભાગ અને પોલીસને મળી હતી. મોડી રાત સુધી યુવક ઘરે નહીં આવતા તેના પરિવારજનો શોધમાં લાગ્યા હતા. આ યુવક ખાનગી કોન્ટ્રાક્ટર પર કામ કરતો હતો અને પરિવારજનોએ આક્ષેપો કર્યા છે કે, તે ઘણા વખતથી સોલાર પેનલ પર ક્લિનિંગ કરાવતો હતો. પરંતુ એક પણ સેફ્ટીના સાધન આપવામાં આવ્યા નથી.
આ યુવક અગ્રવાલ સમાજનો હોવાથી સમાજના મોટી સંખ્યામાં સભ્યો સમા કેનાલ ખાતે પહોંચ્યા હતા. આ ઘટનાની જાણ વોર્ડ નંબર 2ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતને થતા તેઓ તાત્કાલિક પહોંચ્યા હતા અને હજુ પણ આ કામગીરી ચાલી રહી છે. છાણી ટીપી 13 ફાયર વિભાગ દ્વારા યુવકની હજુ શોધખોળ ચાલી રહી છે. આ યુવક કેનાલમાં બેદરકારીના કારણે ડૂબ્યો હોવાનું પરિવારજનો આક્ષેપો કરી રહ્યા છે.
આ અંગે તપાસ કરનાર પીએસઆઈ જે.ટી. દેસાઈએ જણાવ્યું હતું કે. ગતરાત્રે 11.45 બાદ પોલીસને કોલ મળ્યો હતો કે, સમા ડોમિનોઝ કેનાલમાં યુવક ડૂબ્યો છે. આ બનાવને લઈ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી ફાયર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આખી રાતની શોધખોળ બાદ હજુ પણ યુવક મળ્યો નથી. આ શોધખોળ હજુ પણ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.