- ટૂંક સમયમાં માંજલપુર-અટલાદરા સેન્ટરમાં પણ એક્સ-રેની સુવિધા ચાલુ કરાશે
- આ હેલ્થ સેન્ટરમાં સારવાર અને દવાઓ મફત મળશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેર વિસ્તારમાં અટલાદરા, છાણી અને માંજલપુરમાં ત્રણ નવા અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવાયા છે અને કિશનવાડીમાં પણ બની રહ્યું છે. જે ટૂંક સમયમાં શરૂ થઈ જાય તેવી શક્યતા છે. આજરોજ છાણી અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે એક્સ-રેની સુવિધા શરૂ કરવામાં આવી છે. હવે ટૂંક સમયમાં માંજલપુર અને અટલાદરામાં પણ એક્સરેની સુવિધા શરૂ કરી દેવામાં આવશે. છાણી ખાતે ડિજિટલ એક્સરે મશીન લાવવામાં આવ્યું છે. 24 કલાક કાર્યરત રહેતા આ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં આવતા દર્દીઓને એક્સ-રે માટે હવે બહાર નહીં જવું પડે.
આરોગ્ય સમિતિના અધ્યક્ષના કહેવા મુજબ ટીબીના પેશન્ટ માટે પણ એક્સરે અને દવાની મફત સુવિધા આ સેન્ટરમાં છે. જ્યારે ખાનગી ડોક્ટરના રેફરન્સથી અહીં કોઈ એક્સરે માટે આવે તો તેના માટેનો રિઝનેબલ ચાર્જ હવે નક્કી કરવામાં આવશે. અહીં ફૂલ ટાઈમ ગાયનેક ડોક્ટર છે, ટૂંક સમયમાં બાળકોના ડોક્ટર પણ આવી જશે. લોહીની તપાસ બ્લડપ્રેશરની દવાઓ, છાતીની પટ્ટી-કાર્ડિયોગ્રામ તેમજ દવાઓ પણ અહીં મફત આપવામાં આવે છે. લેબોરેટરી ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. 24 કલાક આ સેન્ટર ચાલુ રહેતું હોવાથી મોડી રાત્રે ઇમર્જન્સીમાં દર્દીઓ આ સેન્ટરનો લાભ લઈ શકે છે. હવે ડીલીવરીના કેસ પણ દાખલ કરાશે અને ડિલિવરી કરાવી શકાશે.
છાણી, અટલાદરા અને માંજલપુર કોમ્યુનિટી સેન્ટર શરૂ થયાને આશરે સાત મહિના જેટલો સમય થયો છે. જેમાં અત્યાર સુધીમાં 15,000થી વધુ ઓપીડી દર્દીઓ સારવાર લઈ ચૂક્યા છે. હાલ રોજના ત્રણેય સેન્ટર ખાતે સરેરાશ 200 દર્દીઓ આવી રહ્યા છે. લોકો આ સેન્ટરનો વધુને વધુ લાભ લે તે જરૂરી છે, તેમ જણાવતા આરોગ્ય સમિતિના અધ્યક્ષ વધુમાં કહે છે કે, દરેક સેન્ટર ખાતે 7-7 મેડિકલ ઓફિસર છે. અહીં એક સેન્ટરમાં 50 બેડ છે. તેમાં 25 મહિલાઓ માટે અને 25 પુરુષ માટે છે. ઉક્ત-3 હેલ્થ સેન્ટર આશરે 14 કરોડના ખર્ચે બનાવાયા છે. માંજલપુરમાં બાળકોના ડોક્ટર છે, જ્યારે અટલાદરા અને છાણીમાં ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.