- રૂા.૧૯૦ કરોડના કામમાં એજન્સીઓને રૂા.૧૬૫ કરોડ ચૂકવી પણ દેવાયા
નર્મદા જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યૂનિટિને જોડતા ફોર લેન રોડનું કામ ભરૂચ જિલ્લામાં હજી પણ બાકી છે. છેલ્લા સાત વર્ષથી રોડનું કામ ચાલી રહ્યું છે, પરંતુ આ કામ પૂર્ણ ના થતાં વાહનચાલકો મુશ્કેલીનો ભોગ બની રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના ડ્રીમ પ્રોજક્ટ એવા સ્ટેચ્ય્યૂ ઓફ યૂનિટિને વિવિધ જિલ્લા સાથે જોડતા રોડને ફોર લેન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત વડોદરાથી ડભોઇ, તિલકવાડા અને કેવડિયા કોલોની રોડને ફોર લેન બનાવવામાં આવ્યો છે જ્યારે ભરૂચ જિલ્લામાં જુલાઇ-૨૦૧૫માં અંકલેશ્વર-ઝઘડિયા-રાજપારડી-પ્રતાપનગર-રાજપીપળાનો ૪૪ કિલોમીટર લાંબો રોડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ફોર લેન માટે રૂા.૧૯૦.૫૭ કરોડના ખર્ચે રોડનું કામ જૂન-૨૦૧૬માં શરૂ કરવામાં આવ્યું હતું અને જાન્યુઆરી-૨૦૧૮માં કામ પૂર્ણ કરવાનું હતું. ૧૮ માસમાં રોડનું કામ પૂરું કરવાનું હોવા છતાં સાત વર્ષે પણ હજી રોડનું કામ ચાલી રહ્યું છે.
મહત્વની વાત એ છે કે, રોડનું કામ કરનાર એજન્સીઓને રૂા.૧૬૫ કરોડ ચૂકવી પણ દેવામાં આવ્યા છે. દોઢ વર્ષમાં કામ પૂર્ણ કરવાના બદલે સાત વર્ષે પણ કામ ચાલુ રહેતાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ તરફ દક્ષિણ ગુજરાતથી જતા પ્રવાસીઓને આ રોડ પર હેરાન થવું પડે છે.
અંકલેશ્વરથી તવડી ગામ સુધીના રોડનું કામ ખૂબ જ ગોકળગાય ગતિથી ચાલી રહ્યું છે અને તેના કારણે સ્થાનિક લોકોને પણ મુશ્કેલીઓ ભોગવવી પડે છે. કરોડો રૂપિયાનો ખર્ચ છતાં પણ ફોરલેન રોડના કામમાં સમય મુજબ પ્રગતિ નહી થતાં અધિક્ષક ઇજનેર દ્વારા અહેવાલ મંગાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.