કલાલી ગામ નજીક ઝાડીઓમાંથી વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટે 8 ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યૂ કર્યું

જીવદયા પ્રેમીઓએ સહી સલામત અજગરનું રેસ્ક્યૂ કરી વનવિભાગને સોંપ્યો

MailVadodara.com - Wildlife-Rescue-Trust-rescues-8-foot-giant-python-from-bushes-near-Kalali-village

- અજગરનું બે કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરાયું


વડોદરાના કલાલી ગામ નજીક આવેલી સોસાયટીની પાછળ ઝાડીમાં 8 ફૂટનો મહાકાય અજગર આવી પહોંચ્યો હતો. જેની જાણ જીવદાય સંસ્થા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટને કરતા તાત્કાલિક રેસ્ક્યૂઅર ટીમ પહોંચી હતી અને અજગરનું રેસ્ક્યૂ કર્યું હતું. આ અજગરને જોતા સોસાયટીના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, જીવદયા પ્રેમીઓ દ્વારા તાત્કાલિક અજગરનું રેસ્ક્યૂ કરી વનવિભાગને સોંપવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવાર પર વડોદરા પાસે આવેલી કલાલી ગામ નજીક આવેલી સમન્વય સંતરોલી સોસાયટીમાંથી હેમંતભાઈનો ફોન આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, એક અજગર અમારા ઘરની પાછળની ઝાડીઓમાં આવ્યો છે. કોલ મળતાની સાથે જ અમારી સંસ્થાના કાર્યકર કિરણ શર્મા અને વડોદરા વન વિભાગના અધિકારી નીતિન પટેલ ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા. ત્યાં જોતા ઘરની પાછળની બાજુમાં આવેલી ઝાડીની અંદર એક આઠ ફૂટનો મહાકાય અજગર જોવા મળ્યો હતો. આ મહાકાય અજગરને બે કલાકની ભારે જહેમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યૂ કરી વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.


આ અંગે વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટમાંથી કિરણકુમાર શર્માએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ કલાલી ગામ નજીક સમન્વય સંતરોલી સોસાયટીમાંથી કોલ મળ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે અમારી પાળી પર એક મોટો સાપ આવીને બેઠો છે. તો અમે આ બાબતે ફોટા મંગાવ્યા અને જોવા મળ્યું કે આ ઇન્ડિયન રોક પાઈથન છે. તે જાણી ત્યાં પહોંચીને ભારે જહેમત બાદ વનવિભાગને સોંપવામાં આવ્યો હતો. જેની લંબાઈ 8 ફૂટની હતી.

Share :

Leave a Comments