- આસપાસના લોકો ભેગા થઈ જતાં મને મારી નાખવાની ધમકી આપી બધા આરોપીઓ ભાગી ગયા હતા
વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં ગઇકાલે બપોરે બાઈક ઉપર પોતાના બે સંતાનો તથા પત્ની સાથે પસાર થતા યુવકની બાઇકને કાર દ્વારા ઓવરટેક કરી રોકી અન્ય કાર અને બાઈક ઉપર ઘસી આવેલ 9 જેટલા શખ્સોએ બાઇક અને ડડા વડે ઢોર માર માર્યો હતો. અગાઉની અદાવતે જીવલેણ હુમલો કરી બાઈક ચાલકને મરણતોલ ફટકા મારી પત્નીના ગળામાંથી સોનાની ચેન અને 72 હજાર રોકડની થેલીની લૂંટ ચલાવી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો આ હુમલામાં તેના બે સંતાનોને પણ સામાન્ય ઈજા પહોંચી હતી. આ સમગ્ર ઘટના આરોપીઓની કારમાં બેઠેલા શખ્સે મોબાઇલમાં કેદ કરી લીધી હતી. આ મામલે 9 શખ્સો સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
વડોદરાના કરોડિયા રોડ પર રહેતા આમીરખાન ઇરફાનઅલી પઠાણ (ઉ.32)એ જણાવ્યું હતું કે, હું અલકાપુરી આઇવરી ટેરેથ ઓફિસ નં-505માં CAની ઓફિસ ચલાવું છું. આજથી 20થી 25 દિવસ પહેલાં મારા મોટાભાઈ તારીકખાન ઇરફાનઅલી પઠાણને ઉંડેરા પાસે આરીફ ઉર્ફે ટીકુ અબ્દુલહસન પઠાણ સાથે ઝઘડો થયો હતો અને મારામારી કરી હતી. જે અંગે મારા ભાઇ સામે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
હું ગઇકાલે સોમવારે બપોરે 11 વાગ્યાની આસપાસ ઘરેથી પત્ની અને બે બાળકો લઈને બાઇક પર નીકળ્યો હતો. મારે નિઝામપુરા ટેક્સ ભરવાનો હતો અને મારી 5 મહિનાનો દીકરો અને 2 વર્ષની દીકરી બીમાર હોવાથી નરહરિ હોસ્પિટલમાં લઈ જવા ઘરેથી નીકળ્યો હતો. આ દરમિયાન હું જ્યારે નવાયાર્ડ ફૂલવાડી દિનદયાળ સ્કૂલ પાસે પહોંચ્યો, ત્યારે મારી પાછળથી એક કાર આવી હતી. તે મારી બાઇકને ઓવરટેક કરીને આગળ આવીને ઉભી રહી ગઈ હતી. જેથી મેં મારી બાઇક ઉભી રાખી દીધી હતી. ત્યારબાદ સામેથી એક ક્રેટા કાર રોંગ સાઇડમાં આવી ગઈ હતી અને એક બાઇક પણ આવી ગઈ હતી.
આ વાહનોમાંથી ઉમર અબ્દુલહસન પઠાણ તેના હાથમાં બેટ લઈને આવ્યો હતો. તોસીફ અબ્દુલહસન પઠાણ તેના હાથમાં લાકડાનો ડંડો લઈને આવ્યો હતો. કાલીયા ઉર્ફે આશિફ અબ્દુલહસન પઠાણ તેના હાથમાં લાકડી લઈને ઉતર્યો હતો. સાહબાજ મેકુઆ પણ લાકડાનો ડંડો લઈને આવ્યો હતો. આ લોકો મને કહેવા લાગ્યા હતા કે, તારા ભાઇ તારીક પઠાણે અમારા ભાઇ આરીફ સાથે ઝઘડો કરીને માર માર્યો હતો. તેમ કહીને મને ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા અને તેમની પાસેના લાકડાના ડંડા અને બેટ વડે આડેધડ મારવા લાગ્યા હતા. પછી અકરમ ઉર્ફે ગભરુ, અબઝલ ઇસ્મામ પઠાણ, પપ્પુ લાલાભાઇ અને ભુરા ઉર્ફે અબ્દુલ હસન પણ ડંડા લઈને આવ્યા હતા અને મને મારવા લાગ્યા હતા.
આ વખતે મારી પત્ની રાહમીના વચ્ચે પડતા ઉમર અબ્દુલહસને તેની સાથે ઝપાઝપી કરીને દુપટ્ટો ખેંચ્યો હતો અને મારી પત્નીએ પહેરેલ સોનાની ચેન બળજબરીપૂર્વક ખેંચી લીધી હતી. તેમજ તોસીફ અબ્દુલ પઠાણે મારી પાસે રહેલી 72 હજાર રૂપિયા ભરેલી થેલી પણ ખેંચી લીધી હતી. આ સમયે આરીફ ઉર્ફે ટીકુ પણ ક્રેટા કારમાં બેઠો હતો અને આ લોકોને મારો મારોની બૂમો પાડતો હતો. આ સમયે આસપાસના લોકો ભેગા થઈ જતાં બધા આરોપીઓ ત્રણેય વાહનોમાં બેસીને ભાગી ગયા હતા અને ભાગતા ભાગતા મને મારી નાખવાની ધમકી આપી હતી.
આ હુમલામાં મારા બંને સંતાનોને સાધારણ ઇજાઓ થઈ હતી. મને 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. મેં આ મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફતેગંજ પોલીસે ઉંમર અબ્દુલહસન પઠાણ, તોશીફ અબ્દુલહસન પઠાણ, કાલીયા ઉર્ફે આશીફ અબ્દુલહસન પઠાણ, સાહબાઝ મેકુઆ, અકરમ ઉર્ફે ગભરુ, અબઝલ ઇસ્લામ પઠાણ, પપ્પુ લાલભાઇ, ભુરા ઉર્ફે અબ્દુલહસન પઠાણ અને આરીફ ઉર્ફે ટીકુ સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.