- ચાલુ વર્ષે ૭૨૦ કરોડના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં ૫૩૦ કરોડનો વેરો વસૂલાયો
કેન્દ્ર અને રાજ્ય સરકારની રૂપિયા ૨૬ કરોડની બાકી લેણા વસૂલવામાં નિષ્ફળ રહેલા વડોદરા કોર્પોરેશને વેરા નહિ ભરનાર શહેરીજનો સામે માસ સિલીંગ ઝુંબેશ આજે વહેલી સવારથી શરૂ કરી છે. પાલિકાની ૧૯ વોર્ડની ૧૫૨ કર્મચારીઓની આઠ ટીમો દ્વારા વિસ્તારના બાકી વેરા બાબતે કોમર્શિલ કોમર્શિયલ મિલકતોને સીલ કરવાની અને રહેણાંક મકાનોના બાકી વેરા સામે પાણીના કનેક્શન કાપવાની કાર્યવાહી આજે વહેલી સવારથી શરૂ કરી દેવાઇ છે. પ્રાથમિક અહેવાલો મુજબ વોર્ડ નં. ૧૩માં શરૂ કરાયેલી આ કામગીરીમાં અંદાજિત ૧૫૦ જેટલી કોમર્શિયલ મિલકતો સહિત રહેણાંક મિલકતોના પાણી કનેક્શનનો કાપ્યા હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.
વડોદરા પાલિકા તંત્રના સૂત્રો અનુસાર શહેરમાં ચાલુ વર્ષે રૂપિયા ૭૨૦ કરોડનો વેરો વસૂલવાનો લક્ષ્યાંક મુકાયો છે. જેની સામે અત્યાર સુધીમાં રૂપિયા ૫૩૦ કરોડ વસૂલ થઈ ચૂક્યા છે. શહેરી હદ વિસ્તારમાં નવા સાત ગામના સમાવેશ થવા સાથે પાલિકાએ ચાલુ વર્ષે કુલ રૂપિયા આઠ લાખથી વધુના વેરા બિલની બજવણી કરી હતી, જેમાંથી રૂપિયા ૬.૪૮ લાખના રહેણાંક મિલકતો અને રૂપિયા ૧.૫૩ લાખની કોમર્શિયલ મિલકતો પાસેથી વેરાની વસુલાત થઈ હતી. જ્યારે વેરો નહિ ભરનાર કુલ ૭૨૨૭ મિલકતોને આજ દિન સુધીમાં સીલ કરી છે. આ ઉપરાંત ૪૮,૨૦૦ મિલકતોને વેરાના નાણા ભરવા નોટિસો ફટકારવામાં આવી હતી.
પાલિકા તંત્રએ આજથી શહેરના ૧૯ વોર્ડમાં ૧૫૨ કર્મચારીઓની ૮ ટીમો તૈયાર કરી છે. જેમાં વેરો નહિ ભરનારને ત્યાં સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી છે. ઉપરાંત દરેક વોર્ડમાં બે યુસીડી કર્મીઓ, બે રેવન્યુ કર્મીઓ, બે એન્જિનિયર અને એક ક્લાર્ક તથા પટાવાળા સહિત કુલ આઠ સભ્યોની ટીમો કોમર્શિયલ મિલકતોને સીલ કરવા વહેલી સવારથી નીકળી પડી હતી અને રહેણાક મિલકતોના પાણી કનેક્શનનો પણ કાપવાની શરૂઆત આ ટીમો દ્વારા કરી દેવાઇ છે. આ ટીમમાં વોર્ડના વિવિધ ઓફિસરો તેમજ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પણ જોડાયા હતા.