શુદ્ધ પાણીની રજૂઆત કરવા ગયેલા રહીશોને વોર્ડ 4ના અધિકારીએ પોલીસમાં સોંપવાની ધમકી આપતા રોષ!

આજવા રોડના રામદેવ નગરમાં રહેતા રહીશો પાણી માટે રજૂઆત કરવા ગયા હતા

MailVadodara.com - Ward-4-officer-threatened-to-hand-over-the-residents-to-the-police-who-went-to-present-clean-water

- ટેન્ડર મંજુર થઈ ગયું હોવા છતાં નવી પાણીની લાઈન નાંખતા નથીઃ રહીશો


શહેરના આજવા રોડ પર આવેલા રામદેવ નગરમાં લાંબા સમયથી પીવાના દૂષિત પાણીની સમસ્યાથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જ્યારે આજે વોર્ડ નં.4ની કચેરીએ પાણી માટે રજૂઆત કરવા પહોંચેલા રહીશોને અધિકારીએ પોલીસ બોલાવી લેવાની ધમકી આપતા ભારે ચકચાર મચી ગઈ હતી.


વડોદરા મહાનગરપાલિકા દ્વારા માર્ચ એન્ડિંગ નજીક આવતાની સાથે જ વેરાની ઉઘરાણી કડક કરી દેવામાં આવી છે. જે મિલકતોનો લાંબા સમયથી વેરો બાકી છે, તેવી મિલકતો સીલ કરી દેવામાં આવી રહી છે ત્યારે શહેરીજનો આજે પણ પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા રામદેવ નગર વિભાગ-2માં છેલ્લા લાંબા સમયથી પીવાના દૂષિત પાણી આવી રહ્યા છે.


સ્થાનિક લોકોનું કહેવું છે કે, ટેન્ડર પણ મંજુર થઈ ગયું હોવા છતાં નવી પાણીની લાઈન નાખવામાં આવતી નથી. જેના કારણે રહીશો દૂષિત પાણી પીવા માટે મજબૂર થયા છે. વારંવારની રજૂઆતો થતા તંત્રના પેટનું પાણી હાલતું નથી. જ્યારે આજે સ્થાનિક રહીશોનો મોરચો સંગમ ચાર રસ્તા પાસે આવેલા વોર્ડ ચાર ની કચેરી આવી પહોંચ્યો હતો. જ્યાં તેઓએ અધિકારીને રજૂઆત કરતા મામલો ઉગ્ર બન્યો હતો. શુદ્ધ પીવાના પાણીની રજૂઆત કરનાર રહીશોને અધિકારીએ પોલીસ બોલાવીને પોલીસમાં સોંપી દેવાની ધમકી આપતા રહીશો રોષે ભરાયા હતા.


Share :

Leave a Comments