- હાલમાં ચાર સ્કૂલમાં કુલ મળીને ૩૨૫૩ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે
વડોદરા કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજથી ૬ વર્ષ પહેલા શિક્ષણ સમિતિની પહેલી અંગ્રેજી માધ્યમની સ્કૂલ શરુ કરવામાં આવી હતી.
અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો વાલીઓમાં જોવા મળી રહેલો ક્રેઝ અને બીજી તરફ અંગ્રેજી માધ્યમની ખાનગી સ્કૂલોની મોઘીદાટ ફીના કારણે શિક્ષણ સમિતિની અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં પ્રવેશ મેળવવા માટેનો ધસારો દર વર્ષે વધી રહ્યો છે.
નવા શૈક્ષણિક વર્ષ માટે હાલમાં શિક્ષણ સમિતિની સ્કૂલોમાં પ્રવેશ આપવાની ચાલી રહેલી કાર્યવાહીમાં અંગ્રેજી માધ્યમની ચાર સ્કૂલોમાં હાલમાં ૧૭૦૦ જેટલા વિદ્યાર્થીઓનું વેઈટિંગ લિસ્ટ બનાવવુ પડયુ છે.
શિક્ષણ સમિતિના સૂત્રોનું કહેવું છે કે, સૌથી પહેલાં ૨૦૧૬-૧૭માં છાણી વિસ્તારની પંડિત દીન દયાલ ઉપાધ્યાય સ્કૂલમાં અંગ્રેજી માધ્યમનું શિક્ષણ શરુ કરવામાં આવ્યું હતું. એ પછી ૨૦૨૨ સુધીમાં તબક્કાવાર છાણી વિસ્તારની ટીપી-૧૩માં આવેલી ચાણક્ય સ્કૂલ, વારસીયા રોડ પર આવેલી કવિ દુલા કાગ સ્કૂલ અને સમા વિસ્તારમાં આવેલી પ્રમુખ સ્વામી મહારાજ સ્કૂલમાં અંગ્રેજી માધ્યમનો પ્રારંભ કરાયો હતો. હાલમાં ચાર સ્કૂલમાં કુલ મળીને ૩૨૫૩ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અંગ્રેજી માધ્યમ તરફ વાલીઓના ઝુકાવને જોતા નવા શૈક્ષણિક સત્રથી અંગ્રેજી માધ્યમની વધુ ચાર સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આમ વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંગ્રેજી માધ્યમની સ્કૂલોની સંખ્યા વધીને આઠ થશે. આશા છે કે, નવી ચાર સ્કૂલોના કારણે અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ લેવા માંગતા તમામ બાળકોને પ્રવેશ આપી શકાશે.