વાઘોડિયા પોલીસે મમરાની ગુણોની આડમાં લઇ જવાતો 10.80 લાખના દારૂ ઝડપ્યો, ચાલક-ક્લિનરની ધરપકડ

ટેમ્પોની કેબીનની પાછળ બનાવેલા ચોરખાનામાંથી દારૂ ભરેલી પેટીઓ મળી આવી

MailVadodara.com - Waghodia-police-seized-liquor-worth-10-80-lakhs-being-carried-under-the-guise-of-Mamra-driver-cleaner-arrested

- પોલીસે 10 લાખનો ટેમ્પો, 30 હજારની કિંમતના મમરા, રૂપિયા 10.80 લાખનો દારૂ, મોબાઇલ ફોન વિગેરે મળી કુલ 21,18,100નો મુદ્દામાલ કબજે કર્યો


હોળી-ધુળેટીના તહેવારો આવતા દારુની હેરાફેરીમાં વધારો થયો છે. જોકે, પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. વાઘોડિયા પોલીસે માહિતીના આધારે મમરાની ગુણોની આડમાં ટેમ્પોમાં બનાવેલા ચોરખાનામાં સંતાડીને હાલોલ તરફ લઇ જવાતો રૂપિયા 10.80 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

વાઘોડિયા પોલીસ મથકના અનાર્મ પોલીસ જવાન અનાર્મ હેડ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ, પોલીસ કોન્સ્ટેબલ ભુપતભાઇ જયપાલસિંહ, જયદીપસિંહ વિગેરે પેટ્રોલિંગમાં હતા. તે સમયે માહિતી મળી હતી કે, એક સફેદ કલરના ટેમ્પોમાં મમરાની ગુણોની આડમાં લઇ જવાતો ભારતીય બનાવટનો દારૂ ભરીને ડભોઇથી વાઘોડિયા થઈ હાલોલ તરફ જવાનો છે. આ માહિતી મળતા જ પોલીસ જવાનો વાઘોડિયા જય અંબે ચોકડી પાસે વોચમાં ગોઠવાઈ ગયા હતા.

દરમિયાન માહિતીવાળો ટેમ્પો આવતા જ વોચમાં ગોઠવાયેલી પોલીસે તેને રોક્યો હતો. ટેમ્પોમાં તપાસ કરતા ટેમ્પોમાંથી રૂપિયા 30,000ની કિંમતની મમરા ભરેલી 150 ગુણો મળી આવી હતી. પોલીસે વધુ તપાસ કરતા ટેમ્પોની કેબીનની પાછળ બનાવેલા ચોરખાનામાંથી રૂપિયા 10,80,000ની કિંમતનો ભારતીય બનાવટનો દારૂ ભરેલી 225 પેટી મળી આવી હતી.


ટેમ્પોની કેબીનની પાછળ બનાવેલા ચોરખાનામાંથી દારૂ ભરેલી પેટીઓ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે 150 મમરાની ગુણો તેમજ દારૂનો જથ્થો કબજે કરવા સાથે ટેમ્પોમાં દારૂ ભરીને જતા આરોપી જસરામ જોગારામ જાખડ જાટ (રહે. સારલા ગામ, બારમેર, રાજસ્થાન) અને હુકમારામ મનારામ ચારણ જાટ (રહે. પાબુમાલી મોખાબ ગામ, બારમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.

પોલીસે રૂપિયા 10 લાખની કિંમતનો ટેમ્પો, રૂપિયા 30 હજારની કિંમતના મમરા, રૂપિયા 10,80,000ની કિંમતનો દારૂ, મોબાઇલ ફોન વિગેરે મળી કુલ રૂપિયા 21, 18,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તે સાથે આરોપી જસરામ જાખડ અને હુકમારામ ચારણ સામે વાઘોડિયા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વાઘોડિયા પોલીસે દારૂ લઇને હાલોલ જઇ રહેલા ટેમ્પો ચાલક અને ક્લિનરની વધુ પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, હાલોલ ખાતે જઇને ફોન કરવાનો હતો. ફોન કર્યાં બાદ જે સરનામું મળે ત્યાં દારૂનો જથ્થો પહોંચતો કરવાનો હતો. વાઘોડિયા પોલીસે માહિતીના આધારે રૂપિયા 10.80 લાખની કિંમતનો દારૂ ઝડપી પાડતા વાઘોડિયા તાલુકાના બુટલેગરોમાં ચકચાર મચી ગઇ છે.

Share :

Leave a Comments