વાઘોડિયા જીઆઇડીસીની ફાર્મા કંપનીના ગોડાઉનમાં ધડાકા સાથે પ્રવાહી મટિરિયલ સળગતા આગ લાગતા અફરાતફરી

જે.જે. ફાર્મા કંપનીના ગોડાઉનમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી

MailVadodara.com - Waghodia-GIDC-pharma-company-godown-with-explosions-liquid-material-burning-and-fire

- આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ, ફાયર બ્રિગેડે ચારે બાજુથી પાણીનો મારો ચલાવ્યો, વીજ કંપનીની ટીમો પણ સ્થળ ઉપર પહોંચી હતી

વડોદરાના વાઘોડિયા GIDCમાં 203 નંબરના પ્લોટમાં જે.જે. ફાર્મા કંપનીના ગોડાઉનમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાંથી ઘુમાડો નીકળતાની સાથે જ સ્થાનિક લોકોએ ગોડાઉનના તાળા તોડીને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બિગેડની ટીમો પહોંચી હતી. અને કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ હતી.

મળેલી માહિતી પ્રમાણે, વાઘોડિયા GIDCમાં 203 નંબરના પ્લોટમાં જે.જે. ફાર્મા કંપનીનું મટિરિયલ મૂકવા માટે ગોડાઉન આવેલું છે. આ ગોડાઉનમાં પ્રવાહી સહિતનો મુદ્દામાલ હતો. વહેલી સવારે ગોડાઉનમાંથી ઘુમાડા નીકળવાની શરૂઆત થઈ હતી. દરમિયાન આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને પ્રવાહી આગની લપેટમાં આવી જતા પ્રચંડ ધડાકા શરૂ થયા હતા. પ્રચંડ ધડાકાની સાથે લોકોમાં ગભરાટ ફેલાય ગયો હતો.


ગોડાઉનને તાળાં મારેલા હોવાથી સ્થાનિક લોકોએ આગ બુઝાવવા માટે શટરના તાળા તોડી નાખ્યા હતા અને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી તુરંત જ સ્થાનિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ વધુ પ્રસરતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આમ છતાં આગ કાબૂમાં ન આવતા વડોદરા ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી. બાદમાં ફાયર બ્રિગેડની ટીમોએ ચારે બાજુથી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

ગોડાઉનમાં ફાર્મા કંપનીનું મટિરિયલ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ આગની પ્રચંડ જ્વાળાઓમા ફાર્મા કંપનીનું ગોડાઉન જોતજોતામાં ખાખ થઈ ગયું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. તપાસ દરમિયાન આગનું ચોક્કસ કારણ બહાર આવે તેવી શક્યતા છે.

વહેલી સવારે ફાટી નીકળેલી આગની જાણ વાઘોડિયા પોલીસને થતાં ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સલામતીના પગલાં ભર્યા હતા. સાથે વીજ કંપનીની ટીમો પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને વીજ પુરવઠો સલામતીના ભાગરૂપે બંધ કરી દીધો હતો. પરિણામે GIDCની અન્ય કંપનીઓમાં આજે વીજ પુરવઠો ન હોવાના કારણે યુનિટો બંધ રાખવાની ફરજ પડી હતી.

Share :

Leave a Comments