- ફાયરના લાશ્કરો આગ પર કાબૂ મેળવે તે પહેલાં જ વાહનો કાટમાળમાં ફેરવાયા!
શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં આજે સવારે રહસ્યમય સંજોગોમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં કાર અને બાઇક સહિત આઠ જેટલા નાના-મોટા વાહનો બળીને ખાખ થવા પામ્યા છે. હાલ તબક્કે આ આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી.
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા મહેફુઝ કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. આગના બનાવને નજરે જોનાર મોઈનભાઈ સૈયદએ તરત જ લોકોને જાગૃત કર્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેને પગલે ફાયર બ્રિગેડના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઇ આગ કાબુમાં લઈ બીજા વાહનોને નુકસાન થતું અટકાવ્યું હતું. જાેકે ફાયર બ્રિગેડ આગ પર કાબૂ મેળવા તે પહેલાં જ ચાર એક્ટિવા, એક કાર, બે મોટર સાઇકલ અને સાઇકલ આગની ઝપેટમાં આવી જતા નુકસાન પહોંચ્યું હતું. જાેકે આગ કાબૂ પર મેળવતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનામાં આગ લાગવા પાછળનું કારણ હાલ જાણી શકાયું નથી.
નોંધનીય છે કે શહેરમાં પોલીસ સ્ટેશનો તેમજ અન્ય સ્થળોએ રાત્રિના સમયે આ પ્રકારના અગાઉ પણ અનેકવાર બનાવો બનેલા છે. આ ઉપરોક્ત બનાવ બન્યો ત્યારે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને પ્રાથમિક વિગતો મેળવી હતી. આગની ઘટનાને કારણે કોમ્પ્લેક્સમાં રહેતા રહીશોના જીવ પડીકે બંધાયા હતા. પરંતુ સમયસર મદદ મળી રહેતા જાનહાનિ થતા રહી ગઈ હતી. આગને કારણે એક કાર, છ ટુ-વ્હિલરો અને સાયકલને નુકસાન થયું હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું છે.