શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં આવેલા વાસ તળાવને રૂપિયા 3.24 કરોડના ખર્ચે સુંદર બનાવાશે

હાલ તળાવ આસપાસ ગંદકી નજીકના સરકારી પ્લોટમાં ગેરકાયદે ઢોરવાડો છે

MailVadodara.com - Vasa-Lake-in-the-eastern-and-southern-areas-of-the-city-will-be-beautified-at-a-cost-of-Rs-3-24-crore

- સ્ટેન્ડિંગ સમિતિએ વાસ તળાવ માટે 2.52 કરોડના અંદાજિત ખર્ચ કરતા 28.57 ટકા વધુ ભાવે 3.24 કરોડના ખર્ચની દરખાસ્ત મંજૂર કરી


વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં વોર્ડ નંબર 16 માં આવેલા વાસ તળાવને સુંદર બનાવવા વિસ્તારના કોર્પોરેટરો અને રહીશોની માંગણી બાદ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિ દ્વારા આ તળાવને સુંદર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે 3.24 કરોડનો ખર્ચ કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલા તળાવોની સ્વચ્છતા અને સુંદરતા જળવાઈ તેમજ શહેરીજનોને ઉપયોગી બને તે માટે વિવિધ તળાવોની કામગીરી હાથ લેવામાં આવી છે. જેમાં વાસ તળાવ માટે 2.52 કરોડના અંદાજિત ખર્ચ કરતા 28.57 ટકા વધુ ભાવે એટલે કે 3.24 કરોડના ખર્ચની દરખાસ્ત સ્ટેન્ડિંગ સમિતિએ મંજૂર કરી છે. આ કામ કરવા માટે કોર્પોરેશન દ્વારા ચાર વખત ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. 15મા નાણાપંચની ગ્રાન્ટ વર્ષ 2023-24 પેટે આ કામગીરીનો ખર્ચ કરવામાં આવશે. 

વડોદરા પાલિકાના સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષના કહેવા મુજબ આ તળાવ ઇકો ફ્રેન્ડલી ડેવલોપ કરાશે. અગાઉના તળાવોમાં જે કામગીરી કરવામાં આવી હતી, તેમાં લોકોને ઉપયોગી બને તેવી સુવિધાનો અભાવ હતો.  આ તળાવની કામગીરીમાં લોકોને ઉપયોગી બને તેવી સુવિધાઓ રાખવામાં આવશે. 

બીજી બાજુ લોકોનું કહેવું છે કે, વાઘોડિયા રોડ, પરિવાર ચાર રસ્તા પાસે અનેક સોસાયટીઓની વચ્ચે આવેલા વાસ તળાવને સુંદર બનાવવા કોર્પોરેશને નિર્ણય તો કર્યો છે, પરંતુ તળાવ ફરતે અને અંદર બેફામ ગંદકી છે. તળાવ નજીક સરકારી જમીન પર ગેરકાયદે ઢોરવાડો પણ છે. તળાવની કામગીરી શરૂ કરતાં પહેલાં આ બધું તંત્ર દ્વારા  હટાવવું પડશે, કારણકે આ ઢોરવાડાના લીધે ગંદકી પણ ખૂબ ફેલાય છે. લોકો હેરાન થઈ ગયા છે. તળાવના બ્યુટીફિકેશન પહેલા તંત્ર દ્વારા આ બધી કામગીરી નહીં કરવામાં આવે તો તળાવને સુંદર બનાવવાનો કોઈ અર્થ નહીં રહે.

Share :

Leave a Comments