વડોદરાના ખલીપુર ગામે નવીન કન્સ્ટ્રક્શન સાઈટના ખાડામાં મગર દેખાતા ભયનો માહોલ છવાયો હતો. અહીં સ્થાનિકોએ રેસ્ક્યુ ટીમને જાણ કરી 30 ફૂટ ઊંડા ખાડામાંથી મગરને બહાર કાઢ્યો હતો.
આ બનાવ અંગેની જાણ સ્થાનિકો દ્વારા વઢવાણા રેસ્ક્યુ ટીમને કરતા તાત્કાલિક સ્થળ પર પહોંચી ફોરેસ્ટ વિભાગના રેસ્ક્યુરર સાથે મળી આ 7.5 ફૂટના મગરનું રેસ્ક્યુ કરી તેને હેમખેમ 30 ફૂટના ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં તેને ફોરેસ્ટ વિભાગમાં લઈ જઈ સુરક્ષિત સ્થાને છોડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈ લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા.
આ અંગે ટીમના મેમ્બરે જણાવ્યું હતું કે, વઢવાણા ટીમના હેલ્પલાઈન નંબર પર ગત મોડીરાત્રે 2 વાગ્યે કોલ મળ્યો હતો. આ કોલ ખલીપુર ગામથી આવ્યો હતો કે જ્યાં કન્સ્ટ્રક્શન સાઈટ પર એક મોટો મગર આવી ગયો છે. આ માહિતી મળતાની સાથે અમે ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ત્યાર બાદ અડધો કલાકમાં ઘટનાસ્થળે પહોંચી જોયું હતું તો ત્યાં 7.5 ફૂટનો મગર 30 ફૂટના ખાડામાં આવીને ફસાય ગયો છે. આ બાબતે હેમંત વઢવાણાની ટીમ અને ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા મગરનું રેસ્ક્યુ કરી તેને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં રાત્રે જ ફોરેસ્ટ વિભાગને આ મગરને સુપ્રત કરવામાં આવ્યો છે.