વડોદરામાં ધો.10ની વિદ્યાર્થિની પરીક્ષા સેન્ટર પર 5 મિનિટ મોડી પહોંચતા પરીક્ષા ન આપવા દીધી

પરીક્ષાના સમય કરતા મોડી પહોંચેલી વિદ્યાર્થિની પરિક્ષા આપી ન શકતા રડી પડી

MailVadodara.com - Vadodara-students-of-class-10-were-not-allowed-to-take-the-exam-after-arriving-5-minutes-late-at-the-examination-center

- સાધુ વાસવાણી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પ્રિયાંશી સોનીનો નંબર હરણી ખાતે આવેલી બ્રાઈટ સ્કૂલ GSEB યુનિટ ખાતે આવ્યો હતો

- પેપર સીલ થઈ ગયા હોવાથી પરીક્ષામાં એન્ટ્રી નહીં આપી શકાય: શાળા સંચાલક


ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. બોર્ડ દ્વારા મોડા આવનારને પરીક્ષા આપવા દેવામાં આવે નહીં, તેવા અનેક નિયમો બનાવવામાં આવ્યા છે, ત્યારે વડોદરામાં 5 મિનીટ મોડા પરીક્ષા આપવા પહોંચેલી વિદ્યાર્થિનીને સ્કૂલ સંચાલકો દ્વારા પરીક્ષા આપવા ન દેતા વિદ્યાર્થિની નિરાશ થઈ ગઈ હતી અને રડી પડી હતી. વિદ્યાર્થિનીના વાલી દ્વારા વ્હીકલ બગડી ગયું હોવાનું કારણ રજૂ કરવા છતાં સ્કૂલ દ્વારા ડી.ઇ.ઓ. કચેરીનો અભિપ્રાય મેળવ્યા બાદ નિયમનું પાલન કર્યું હતું.

આજે ધોરણ 10નું સાયન્સનું પેપર હતું. વડોદરાની સાધુ વાસવાણી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પ્રિયાંશી સોનીનો નંબર હરણી ખાતે આવેલી બ્રાઈટ સ્કૂલ GSEB યુનિટ ખાતે આવ્યો હતો. આ વિદ્યાર્થિની પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં માત્ર 35 મિનીટ મોડી પહોંચતા તેને પરીક્ષા આપવા ન દીધી હોવાનું સામે આવ્યું છે. આ અંગે શાળા સંચાલકને જાણ કરાતા તેમના દ્વારા કહેવામાં આવ્યું કે, પેપર સીલ થઈ ગયા હોવાથી પરીક્ષામાં એન્ટ્રી નહીં આપી શકાય.


આ અંગે વિદ્યાર્થિનીના વાલીએ જણાવ્યું હતું કે, અમે 10:35 મિનીટે સ્કૂલ પર પહોંચ્યા હતા. અમારી ગાડી ખરાબ થઈ ગઈ હોવાથી અહીં પહોંચવામાં મોડું થયું હતું અને અમે 10.35 મિનીટે પહોંચ્યા હતા. પરંતુ, સ્કૂલ સંચાલકો દ્વારા મારી દીકરીને પરીક્ષા આપવા દીધી નથી. અમે રજૂઆત કરી કે, ભલે 2 કલાક એને લખવા મળે તો પણ વાંધો નહીં, જેથી કરીને તેનું ભવિષ્ય બગડે નહીં. પરંતુ, તેમના દ્વારા જુલાઈમાં પરીક્ષા આપવાનું જણાવવામાં આવ્યું હતું. અત્યારે મારી દીકરી પ્રિયાંશીએ તૈયારીઓ કરેલી છે. તેણે આખા વર્ષ દરમિયાન ખૂબ મહેનત કરી છે. તે 2 કલાકમાં પણ પેપર લખી શકે છે.


જોકે, વિદ્યાર્થિની પ્રિયાંશીએ તો માત્ર 5 મિનીટ જ મોડી પડી હોવાનો દાવો કરતા જણાવ્યું કે, હું સ્કૂલ પહોંચવામાં 5 મિનીટ મોડી પડી હતી. જેથી મને પેપર આપવા દીધું નથી. મહત્વનું એ છે કે, માત્ર 5 મીનિટ મોડું થવાને કારણે મારું વર્ષ બગડી રહ્યું છે. મારા પિતા સહિત અન્ય વાલીઓ દ્વારા પણ સ્કૂલ સંચાલકોને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ, મને પરિક્ષા આપવા દેવામાં આવી નથી. અને જુલાઇમાં આપવાની સલાહ આપવામાં આવી છે.

બ્રાઇટ સ્કૂલના નીતા સંઘવીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થિની મોડી પહોંચવાના કારણે પરિક્ષા આપવા દેવામાં આવી નથી. વાલીની રજૂઆત બાદ અમે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં અભિપ્રાય માંગ્યો હતો. પરંતુ, તેઓ દ્વારા નિયમોને અનુસરવા માટે જણાવતા અમે નિયમોને આધિન વિદ્યાર્થિનીને પરીક્ષા આપવા દીધી નથી.

Share :

Leave a Comments