વડોદરાની પાસપોર્ટ ઓફિસે રજાના દિવસે અપોઈન્ટમેન્ટ આપી, ઓફિસ બંધ જાેતાં લોકોએ હોબાળો મચાવ્યો

પાસપોર્ટ સેવા કેન્દ્ર સરકારના અંધેર વહીવટના કારણે મોટી સંખ્યામાં લોકો અટવાયા

MailVadodara.com - Vadodara-passport-office-gave-appointments-on-holidays-people-created-an-uproar-as-the-office-closed

- પાસપોર્ટ ઓફિસે આવ્યા બાદ ધક્કો પડતા લોકો રોષે ભરાયા

- માતા-પિતા સાથે આવેલાં બાળકો કાળઝાળ ગરમીમાં શેકાયાં


શહેરના નિઝામપુરામાં આવેલી પાસપોર્ટ ઓફિસ દ્વારા 14 એપ્રિલ આંબેડકર જયંતીની જાહેર રજાના દિવસે પાસપોર્ટ સહિતની કામગીરી માટેની અપોઈન્ટમેન્ટ આપી હતી. જેને પગલે અનેક લોકો બાળકો સાથે પાસપોર્ટ ઓફિસ આવી પહોંચ્યા હતા. જાેકે પાસપોર્ટ ઓફિસ દ્વારા મોડી રાત્રે 1 વાગ્યે અપોઈન્ટમેન્ટ રદ કરાયાનો કરેલો મેસેજ જોયા વગર જ વહેલી સવારે આવી ગયેલા લોકો અટવાઇ પડ્યા હતા અને સરકારના અંધેર વહીવટ સામે નારાજગી વ્યક્ત કરી રોષ ઠાલવ્યો હતો. જેને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત પાસપોર્ટ સેવા કેન્દ્ર આવેલું છે. આ પાસપોર્ટ ઓફિસ દ્વારા લોકોને સરળતા રહે તે માટે અને ઓફિસ ઉપર ધસારો ન થાય તે માટે પાસપોર્ટ માટે ઓનલાઇન અરજી કરનારને ઓનલાઇન અપોઈન્ટમેન્ટ આપવામાં આવે છે ત્યારે 14 એપ્રિલ-2023ના રોજ ડો. બાબાસાહેબ આંબેડકરની જાહેર રજા હોવા છતાં, આજની તારીખની અપોઈન્ટમેન્ટ આપવામાં આવી હતી. આ ઉપરાંત પાસપોર્ટ ઓફિસ દ્વારા સાંજના સમયે અપોઈન્ટમેન્ટની તારીખનો રિમાઇન્ડર મેસેજ પણ કરવામાં આવ્યો હતો. જાે કે પાસપોર્ટ ઓફિસ દ્વારા રાત્રે 1 વાગ્યાના સુમારે એવો મેસેજ કરવામાં આવ્યો હતો કે, તા.14 એપ્રિલના રોજ જાહેર રજા હોવાથી અપોઈન્ટમેન્ટ રદ કરવામાં આવે છે.


જો કે, સાંજે આવેલા એપોઇન્ટમેન્ટની તારીખ યાદ કરાવતો રિમાઇન્ડર મેસેજના આધારે લોકો નિઝામપુરા પાસપોર્ટ ઓફિસ ખાતે પોતાના પાસપોર્ટ સહિતનાં કામ માટે વહેલી સવારથી આવી પહોંચ્યા હતા. પાસપોર્ટ ઓફિસે આવ્યા બાદ પાસપોર્ટના દરવાજા પાસે એપોઇન્ટમેન્ટ રદની નોટિસ જોતા વહેલી સવારથી પાસપોર્ટ સહિતનાં કામ માટે આવી પહોંચેલા લોકોએ કેન્દ્ર સરકારના અંધેર વહીવટ સામે રોષ ઠાલવ્યો હતો. આ કાળઝાળ ગરમીમાં ઓફિસની બહાર આવી પહોંચેલા લોકોને ઓફિસની બહાર ઊભા રહેવાનો વારો આવ્યો હતો. અને પાસપોર્ટ ઓફિસની ગંભીર ભૂલના કારણે સમય કાઢીને આવ્યા બાદ કામ ન થતાં આજની તારીખનું આગામી સપ્તાહમાં રિશિડ્યુલ કરી કામ પૂરું કરી આપવાની માગ કરી હતી. માતા-પિતા સાથે આવેલા માસૂમ બાળકો અસહ્ય ગરમીમાં ત્રાહિમામ પોકારી ગયાં હતાં.


રોષે ભરાયેલા લોકો કાયદો હાથમાં ન લે તે માટે સાવચેતીના ભાગરૂપે પાસપોર્ટ ઓફિસની બહાર કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, લોકો દ્વારા પાસપોર્ટ ઓફિસના જવાબદાર અધિકારીઓ સામે ભારોભાર રોષ ઠાલવ્યો હતો.

એક અરજદારે કહ્યું હતું કે, અમે અઢીસો કિલોમીટર દૂરથી ડિસાથી ગઈકાલે જ વડોદરામાં આવી ગયા હતા અને રાત્રે હોટલમાં રોકાયા હતા. આજે પાસપોર્ટ ઓફિસ પર આવીને જોયુ તો ઓફિસ બંધ છે. અમારો રોકાણનો ખર્ચો તો માથે પડયો જ છે પણ ફરી ડિસાથી વડોદરા આવવાનો બીજો એક ધક્કો થશે તે અલગ. લોકોના હોબાળાના કારણે ફતેગંજ પોલીસને પણ દોડી આવવું પડયું હતુ. પોલીસે માંડ માંડ રોષે ભરાયેલા લોકોને શાંત પાડયા હતા.


આજની અપોઈન્ટમેન્ટ હોવાથી પાસપોર્ટના કામ માટે આવી પહોંચેલા પંકજકુમાર ભટ્ટે જણાવ્યું હતું કે, આજની અપોઈન્ટમેન્ટ હતી. ઓનલાઇન એપ્લિકેશન કરી ત્યારે અમને 14-4-023ની તારીખ આપી હતી. કેન્સલ કર્યું તેનો મેસેજ મોડી રાત્રે આપવામાં આવ્યો હતો. અવાર-નવાર કોઇ મેસેજ જોતું નથી. ગઇકાલ સાંજ સુધીમાં અપોઈન્ટમેન્ટ કન્ફર્મ હોવાનો પણ મેસેજ કરે છે અને રાત્રે 1 વાગે પુન મેસેજ આવે છે કે, અપોઈન્ટમેન્ટ કેન્સલ કરેલ છે. લોકો ડીસા, કરમસદ, બોમ્બે સહિત વિવિધ શહેરો અને ગામડાઓમાંથી આવ્યા છે. કોઇ જવાબ આપનાર અધિકારી નથી. ઓફિસની બહાર નોટિસ મારી દેવામાં આવી છે. હવે અમને આજની તારીખ રિશિડ્યુલ કરીને 18 મે-2023ની અપોઈન્ટમેન્ટ આપે છે. દોઢ -બે માસનો સમય પસાર થઇ જાય છે પરંતુ, અમારી માંગણી છે કે, આજની તારીખની આગામી સપ્તાહમાં અપોઈન્ટમેન્ટ શિડ્યુલ કરી આપે તો અમારાં કામ થઇ જાય.

Share :

Leave a Comments