વડોદરા જિલ્લા એલસીબીએ કન્ટેનરમાં ચોરખાનું બનાવી હરિયાણાથી વડોદરા લવાતો દારૂ ઝડપ્યો

જિલ્લા એલસીબીએ ડભોઇ વડોદરા રોડ પર પુડા ગામની સીમમાં વોચ ગોઠવી હતી

MailVadodara.com - Vadodara-district-LCB-made-a-container-theft-and-seized-liquor-from-Haryana-to-Vadodara

- પોલીસે 21.73 લાખની કિમતની દારૂની 382 પેટી, મોબાઈલ, કન્ટેનર મલી કુલ 31.83 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો, હરિયાણાના ડ્રાઈવરની ધરપકડ કરાઇ


વડોદરા જિલ્લા પોલીસે ટ્રકના કન્ટેનરમાં કેબીન પાસે ચોરખાનું બનાવીને હરિયાણાથી વડોદરા દારૂની હેરાફેરીનું નેટવર્ક ઝડપી પાડ્યું છે. જેમાં  પોલીસે હરિયાણાના ડ્રાઇવરની ધરપકડ કરીને વિદેશી દારૂની 382 પેટી, મોબાઇલ, કન્ટેનર ટ્રક મળી કુલ રૂપિયા 31.83 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, રાજપીપળા તરફથી આવતું એક કન્ટેનર ડભોઇથી વડોદરા તરફ જવાનું છે અને તેમાં દારૂનો જથ્થો ભર્યો છે તેવી બાતમીના આધારે વડોદરા જિલ્લા પોલીસની એલસીબી શાખાના સ્ટાફે ડભોઇ વડોદરા રોડ પર પુડા ગામની સીમમાં વોચ ગોઠવી હતી. બાતમી મુજબનું કન્ટેનર આવતા તેને રોકી કન્ટેનરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કન્ટેનરમાં ઉપર અને નીચે બે અલગ ભાગ હતા જે ખાલી હતા. જેથી દારૂનો જથ્થો ક્યાં છુપાવ્યો હશે તે અંગે પોલીસ ગૂંચવાઈ હતી. આ દરમિયાન કન્ટેનરની વધુ તપાસ કરતા ડ્રાઇવર કેબીન તથા કન્ટેનરની બોડી વચ્ચે એક ચોરખાનું બનાવેલું જણાયું હતું. આ ચોરખાનાનો સ્ક્રુ ખોલી પતરું કાઢતા અંદરથી 21.73 લાખ કિંમતની દારૂની 8148 બોટલો ભરેલ 382 પેટીઓ મળી હતી.


પોલીસે એક મોબાઇલ, દારૂનો જથ્થો અને કન્ટેનર કબજે કરી ચાલક સંદીપ બળદેવસિંહ જાટ (રહે. ચમારખેડા, તાલુકો ઉકલાનામંડી જિલ્લો હિસ્સાર, હરિયાણાની ધરપકડ કરી હતી. પોલીસે સંદીપની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે હરિયાણાની અંબાળા બોર્ડરથી પંજાબના રાજપુરા પાસે હાઇવે પર શૂટર નામની વ્યક્તિએ કન્ટેનર આપ્યું હતું અને વડોદરાના નેશનલ હાઈવે પાસ કર્યા બાદ ફોન કરવા જણાવ્યું હતું.

Share :

Leave a Comments