- વ્યાજખોરે સિક્યોરિટી માટે આપેલા ચેકોમાં રકમ ભરીને ચેક બાઉન્સ કરાવ્યા હતા
વડોદરાના રિયલ એસ્ટેટનું કામ કરતા વેપારીએ 80 લાખ રૂપિયા વ્યાજે લીધા બાદ 1.30 લાખ કરોડ ચૂકવ્યા છતાં વ્યાજખોરે વધુ નાણાં માંગીને ધમકી આપી હતી. વ્યાજખોર તેની પત્ની સાથે નાણાંની ઉઘરાણી કરવા આવતા ફરિયાદીએ પોલીસને બોલાવી હતી. આ ઉપરાંત સિક્યોરિટી માટે આપેલા ચેકોમાં રકમ ભરીને ચેક બાઉન્સ કરાવ્યા હતા. આ મામલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા અક્ષર પેવેલિયનમાં રહેતા દિપેન અજીતભાઇ ઠક્કર (ઉં.વ.47)એ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું રિયલ એસ્ટેટને લગતું કામ કરું છું. નરેન્દ્રજીતસિંગ ચરણસિંગ છાબરા (રહે.46, શિવાલય સોસાયટી, વાસણા રોડ, વડોદરા) વર્ષ- 2012ના રોજ મારી ઓફિસમાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે, મારે ઓફિસ ખરીદવી છે, જેથી મેં તેમને વાસણા રોડ પર ઓફિસ અપાવી હતી. ત્યારબાદ તેઓએ 2015માં બ્રોકર તરીકે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેઓ બ્રોકરનું કામ કરતા હોવાથી અવારનવાર મળવાનું થતું હતું અને અમારી મિત્રતા થઈ ગઈ હતી.
કોરોનાકાળમાં ધંધામાં મંદી આવતા મેં નરેન્દ્રજીતસિંગ પાસેથી 3 ટકાના દરે 7 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. તેઓએ મને 63 હજાર રૂપિયા વ્યાજ કાપીને 6.37 લાખ રૂપિયા આપ્યા હતા અને દર મહિને હું 21 હજાર રૂપિયા વ્યાજ ચુકવતો હતો. 47 મહિના સુધી 10.50 લાખ રૂપિયા વ્યાજ પેટે ચુકવી દીધા હતા. આમ ધીમે ધીમે અત્યાર સુધીમાં કુલ 80 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને તેની સામે 1.30 કરોડ રૂપિયા ચુકવી દીધા હતા. જેમાંથી 3.31 લાખ રૂપિયા ગુગલ પેથી ટ્રાન્સફર કર્યાં હતા અને બીજા પૈસા રોકડા આપ્યા હતા.
જો કે, નરેન્દ્રજીતસિંહ છાબરા વારંવાર મારી પાસે પૈસાની ઉઘરાણી કરતા હતા અને મારી ઓફિસે આવીને અવારનવાર ધમકી આપતા હતા. છેલ્લે 21 ફેબ્રુઆરી-2023ના રોજ તેમની પત્ની સાથે સાથે મારા ઘરે આવીને જોરજોરથી દરવાજો ખખડાવ્યો હતો અને પૈસાની ઉઘરાણી કરી હતી. જેથી મેં 100 નંબર પર ફોન કરીને પોલીસ બોલાવી લીધી હતી. જો કે, પોલીસ આવે તે પહેલાં જ તેઓ જતા રહ્યા હતા. મેં સિક્યોરિટી પેટે આપેલા ચેકોમાં 17 લાખ, 10 લાખ અને 50 લાખની રકમ ભરીને બાઉન્સ કરાવ્યા હતા અને મને નોટિસ આપી હતી અને મારો એક ચેક એમની પાસે છે. આ મામલે મેં ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.