- શકીલાપાર્ક સોસાયટીમાં રહેતા અબ્દુલ ઇબ્રાહીમભાઇ પટેલના ઘરમાંથી 51,520 હજારની કિંમતનો 5 કિલો 152 ગ્રામ ગાંજાનો જથ્થો મળ્યો
વડોદરા SOG પોલીસે અગાઉ NDPSના ગુનામાં પકડાયેલા શખસને તાંદલજા વિસ્તારમાં આવેલી સોસાયટીના મકાનમાંથી 5 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડયો છે. પોલીસે ડીજીટલ કાંટો અને બે મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વડોદરા SOG પોલીસને બાતમી મળી હતી કે, તાંદલજા વિસ્તારમાં આવેલી શકીલાપાર્ક સોસાયટીના મકાન નં. સી-9માં રહેતો અબ્દુલ ઇબ્રાહીમભાઇ પટેલ છુટકમાં ગાંજાનું વેચાણ કરે છે. જેના આધારે SOG પોલીસે તેના ઘરમાં રેડ પાડી હતી. આ દરમિયાન તેના ઘરમાંથી 51,520 હજારની કિંમતનો 5 કિલો 152 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો અને અબ્દુલ પટેલની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ગાંજાની સાથે સાથે ડીજીટલ કાંટો અને બે મોબાઇલ પણ જપ્ત કર્યાં છે. આરોપી અબ્દુલ પટેલ સામે અગાઉ ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં NDPSનો ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત જે. પી. રોડ પોલીસ સ્ટેશનમાં દારૂનો કેસ નોંધાયેલો છે. પોલીસે અબ્દુલ પટેલની વધુ પૂછપરછ કરતા 15 દિવસ પહેલા ભાલેજના ફરીદખાન પઠાણ પાસેથી 2.5 કિલો ગાંજો તેમજ 10 દિવસ પહેલા ઠાસરાના સલુન નાનાદરા ગામે રહેતા ઈકબાલ મલેક પાસે 5 કિલો ગાંજો ખરીદ્યો હોવાની વિગતો ખોલી હતી. પોલીસે ગાંજાના બંને સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.
વડોદરા SOGના પીઆઇ વી.એસ. પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 2 મહિનાથી અમારી ટીમોએ વોચ ગોઠવી હતી અને આજે અબ્દુલ પટેલના ઘરમાંથી 5 કિલો 152 ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આજથી બે વર્ષ પહેલા પણ NDPSના કેસમાં તે ઝડપાઇ ચૂક્યો હતો.