વડોદરાના મ્યુનિ. કમિશનર તરીકે દિલિપકુમાર રાણાએ પદભાર સંભાળી કામગીરી શરૂ કરી

ગત સોમવારે તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ ચાર્જ છોડ્યો હતો

MailVadodara.com - Vadodara-Municiple-Dilipkumar-Rana-assumed-office-as-Commissioner-and-started-the-work


વડોદરા મહાનગર સેવાસદનમાં નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર દિલીપકુમાર રાણાએ આજે પદભાર સંભાળ્યો હતો. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, વડોદરામાં રસ્તા ઉપર રખડતી ગાયોનો વિકટ પ્રશ્ન છે. અમે આ પ્રશ્નનો ઉકેલ લાવી શહેરીજનોને રખડતી ગાયોના ત્રાસથી મુક્તિ અપાવવાનો પ્રયાસ કરીશું. 


રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં રાજ્યમાં 109 આઈએએસ અધિકારીઓની બદલીના હુકમ કરવામાં આવ્યા હતા. જેમાં કચ્છ-ભુજના કલેક્ટર દિલિપકુમાર રાણાની વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ગત સોમવારે સવારે તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ છોડી દીધો હતો. ત્યારે આજ રોજ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકે દિલિપકુમાર રાણાએ પદભાર સંભાળી કામગીરી ચાલુ કરી દીધી હતી.


નવા મ્યુનિસિપલ કમિશનર દિલિપકુમાર રાણા માટે રસ્તા ઉપર રખડતી ગાયો, પ્રવર્તમાન ઉનાળાની ઋતુમાં શરૂ થનાર પાણીનો પ્રશ્ન, જૂની પાણી ડ્રેનેજની લાઈનોના કારણે વારંવારની સમસ્યા, વડોદરામાં જરૂરિયાત સામે ઓછા ફાયર સ્ટેશન, ઓછા વાહનોની સંખ્યા, મુખ્ય માર્ગો ઉપર લારી ગલ્લાના દબાણો, વિશ્વામિત્રી નદીમાં કોર્પોરેશન દ્વારા છોડવામાં આવી રહેલા દૂષિત પાણી સહિતના અનેક પ્રશ્નો પડકારૂપ પુરવાર થશે. જો કે, મ્યુનિસિપલ કમિશનરે આજે ચાર્જ સંભાળ્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનો છેવાડાના માનવી સુધી લાભ પહોંચે તે માટેની કામગીરી રહેશે. ઉપરાંત જે કોઇ શહેરના સળગતા પ્રશ્નો છે તેનો કેવી રીતે ઉકેલ આવી શકે તે માટે અભ્યાસ કરીને વહેલી તકે પ્રશ્નો ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશું.

Share :

Leave a Comments