- કોર્પોરેશન દ્વારા સૌથી વધુ રોડના 14.80 કરોડના કામો કરાશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને રાજ્ય સરકાર વ્યવસાય વેરાની 50% ગ્રાન્ટ લેખે વર્ષ 2022-23ની ગ્રાન્ટ પેટે પ્રોરેટા ધોરણે મળવાપાત્ર 24.75 કરોડની ગ્રાન્ટમાંથી 18.75 કરોડની ફાળવણી કરી છે. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા નક્કી કરેલી ગાઈડલાઈન મુજબ અગ્રતાના કામોનો સમાવેશ કરી તેની મંજૂરી મેળવી દરખાસ્તો સરકારમાં મંજૂર કરવા મોકલવી પડશે.
શહેરમાં હાલ અગ્રતાના ધોરણે માળખાકીય વિકાસના 31.46 કરોડના કામો કરવાનું નક્કી કરાયું છે. ગ્રાન્ટની ફાળવણી સામે કામોના ખર્ચનો અંદાજ વધુ છે. જેમાં પાણી, ડ્રેનેજ, રોડ, પાર્કસ ગાર્ડન વગેરેના તથા કોર્પોરેશનના ચારેય ઝોનના મળીને 85 કામોનો સમાવેશ કરાયો છે. સૌથી વધુ રોડના 14.80 કરોડના કામો છે. પાર્કસ એન્ડ ગાર્ડન શાખા જે દોઢ કરોડનું કામ કરવાની છે તેમાં શહેરના જુદા-જુદા સર્કલો પર પ્રતિમા રીસ્ટોર કરવા એક કરોડનો ખર્ચ અંદાજાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન કાલાઘોડા સહિત ફતેસિંહ રાવની અને છત્રપતિ શિવાજી મહારાજની ત્રણ પ્રતિમાનું 29 લાખના ખર્ચે ટૂંક સમયમાં રિસ્ટોરેશનનું કામ શરૂ કરવા જઈ રહી છે. રોડની કામગીરી વધવાની હોવાથી એક કરોડના રોડ રોલર અને 72 લાખના ટ્રેક્ટર ટ્રોલીની ખરીદી કરશે.
ચાર ઝોનમાં આશરે 10 કરોડના 65 જેટલા કામો કરવાના છે. જેમાં રોડ, પાણીની લાઈન, ડ્રેનેજ, ફૂટપાથ, પેવર બ્લોક નાખવા વગેરેનો સમાવેશ થાય છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સમગ્ર સભામાં આ અંગેની દરખાસ્ત મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે.