વડોદરા પાલિકા દ્વારા આગામી 25 દિવસમાં વધુ 7 કેન્દ્રો પર આધાર કાર્ડ કાઢી આપવાનું શરૂ કરાશે

MailVadodara.com - Vadodara-Municipality-will-start-issuing-Aadhaar-cards-at-7-more-centers-in-the-next-25-days

- વડોદરા કોર્પોરેશનમાં ઓક્ટોબર 2022થી આધારકાર્ડની શરૂ થયેલી કામગીરીથી અત્યાર સુધીમાં આશરે 39,493 લોકોએ લાભ લીધો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 25 દિવસમાં આધાર કાર્ડ કાઢી આપવાના ચોથા તબક્કાના આયોજનમાં સાત કેન્દ્રો પર કામગીરી શરૂ કરવામાં આવશે. આ સાત લોકેશન (કેન્દ્રો) વોર્ડ ઓફિસ કે સંલગ્ન બીજી કોઈ જગ્યા લોકોને વધુ સુગમ રહે તે મુજબ શોધી કાઢવાની કામગીરી હાલ ચાલી રહી છે. 

કોર્પોરેશન દ્વારા આધાર કાર્ડ કાઢી આપવા ચાર તબક્કા અગાઉ નક્કી કરીને આયોજન હાથ ધર્યું હતું. જેમાં પ્રથમ તબક્કામાં વોર્ડ નંબર 17 અને 12 આવરી લેવાયા હતા. ત્યારબાદ બીજા તબક્કામાં વોર્ડ નંબર 3, 4, 5 અને 18 નો સમાવેશ કર્યો હતો. ત્રીજા તબક્કામાં સમા અને માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, વોર્ડ નંબર 15, 11, 6 અને 7 સમાવ્યા હતા. કુલ 12 સ્થળે આધાર કાર્ડ કાઢવાની કામગીરી કોર્પોરેશન દ્વારા ચાલુ કરાઈ હતી, હવે ચોથા તબક્કાની કામગીરીમાં આગામી 25 દિવસમાં સાત લોકેશન પર આધારકાર્ડ કાઢવાનું કામ ચાલુ કરવામાં આવશે. અગાઉ કાર્ડ કઢાવવા માટે આવતા લોકોને તકલીફ ન પડે તે માટે ટોકન અપાતા હતા. શરૂઆતમાં 40 ટોકન અને ત્યારબાદ 50 ટોકન અપાતા હતા, પરંતુ હવે રોજના 60 અપાય છે. એટલે કે રોજની 60 એન્ટ્રી થાય છે. સામાન્ય રીતે ઓફિસના ચાલુ દિવસ દરમિયાન કાર્ડ કાઢવામાં આવતા હોય છે, અને તે માટે જે નોકરીયાત વર્ગ છે અથવા તો કોઈ બહારગામ અપડાઉન કરતું હોય તેવા લોકોને તકલીફ પડતી હતી, એટલે બીજા અને ચોથા શનિવારે ઓફિસ બંધ હોય તો પણ લોકોને તકલીફ ન પડે તે માટે કાર્ડ કાઢી આપવાની સુવિધા ચાલુ કરાઈ છે. જુલાઈમાં અને ઓગસ્ટમાં બીજા અને ચોથા શનિવારે રજા હોય તો પણ કાર્ડ કાઢી આપતા 1,435 લોકોએ તેનો લાભ લીધો છે. કોર્પોરેશનના સેન્સસ ઓફિસર અને હેડ ઓફ ધ આધાર કાર્ડ વિભાગ શમિક જોષી જણાવે છે કે આ સિસ્ટમ બીજે ક્યાંય નથી અને અહીં જ શરૂ કરાવી છે, હવે આ કાયમી ધોરણે અમલમાં રહેશે. 

કોર્પોરેશનમાં ઓક્ટોબર 2022થી આધારકાર્ડની શરૂ થયેલી કામગીરીથી અત્યાર સુધીમાં 39,493 લોકોએ લાભ લીધો છે. જેમાં ઉત્તર ઝોનમાં 6614, દક્ષિણ ઝોનમાં 12,168, પૂર્વ ઝોનમાં 12,395 અને પશ્ચિમ ઝોનમાં 8260 લોકોને લાભ મળ્યો છે. બીજું આધાર કાર્ડ કાઢવા માટેના ફોર્મ પણ ઓપરેટર જ ભરી આપે છે. 39,493 લોકોના ફોર્મ ઓપરેટરોએ જ ભરેલા છે. એટલે ફોર્મ રિજેક્શનનું પ્રમાણ પણ ખૂબ ઘટી ગયું છે. બહારથી ભરેલા ફોર્મ સ્વીકારવામાં આવતા નથી. તેમણે કહ્યું હતું કે, આધાર કાર્ડ માટે હજુ લોકો કહેવાતા એજન્ટો પાસે રૂપિયા આપીને છેતરાઈ રહ્યા છે, અને લોકોએ જાગૃત થવાની જરૂર છે. કાર્ડ માટે સીધા ઓફિસરનો જ સંપર્ક કરવો જોઈએ.

Share :

Leave a Comments