- રોકસ્ટારને હવે હરણી ખાતેના પાર્કમાં મુકાશે, ભીમનાથ બ્રિજ પાસે એસએસજી નજીક મુકેલું રેડિયોનું સ્કલ્પચર પણ કોર્પોરેશન હટાવી લેશે
વડોદરા કોર્પોરેશન દ્વારા પાંચ વર્ષ પહેલા શહેરના ઓલ્ડ પાદરા રોડ પરના જંકશન ખાતે લોખંડના ભંગારમાંથી બનાવેલ રોકસ્ટાર સ્કલ્પચરને મૂકવામાં આવ્યું હતું તે ગઈ રાત્રે હટાવી લીધું છે. અહીં બનાવેલું સર્કલ રોકસ્ટાર સર્કલ તરીકે ઓળખાતું હતું. કોર્પોરેશન હવે અહીં યોગમુદ્રા સાથેનું શિલ્પ મૂકશે. આ શિલ્પ એક સંસ્થાના ખર્ચે મૂકવામાં આવનાર છે. આ ઉપરાંત કોર્પોરેશન ભીમનાથ બ્રિજ પાસે એસએસજી નજીક રેડિયોનું જે સ્કલ્પચર મૂકવામાં આવ્યું છે, તે પણ હટાવી લેશે. રોકસ્ટારને હવે હરણી ખાતેના પાર્કમાં મૂકવામાં આવશે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હરણી ખાતે રૂપિયા ૨.૩૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા સ્કલ્પચર પાર્કનું લોકાર્પણ તાજેતરમાં કરવામાં આવ્યું હતું. આ સ્કલ્પચર પાર્કમાં વિવિધ પ્રકારના ૫૭ સ્કલ્પચરના પેડેસ્ટલ બનાવવામાં આવેલ છે. જેમાંથી ૩૨ સ્કલ્પચર પેડેસ્ટલ પર મુકી ફિકસીંગ કરવામાં આવેલ છે. અને ૨૭ સ્કલ્પચરના પેડેસ્ટલ ખાલી છે. અહીં પેડેસ્ટલ પર એમ. એસ. યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટી દ્વારા પણ નવા સ્કલ્પચર બનાવી મુકવામાં આવશે. આ પાર્ક ૩૦,૦૦૦ સ્કવેર મીટરમાં છે.
વર્ષ-2017માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ક્રેપમાંથી 25 શિલ્પ કૃતિઓ બનાવવામાં આવી હતી. જેમાંથી કેટલીક શિલ્પ કૃતિઓ શહેરના મુખ્ય માર્ગ પર ટ્રાફિક સર્કલ પર મૂકવામાં આવી છે. જેમાંનું રોકસ્ટાર એક હતું. વડોદરાના 25 કલાકારોએ અટલાદરા ખાતેના સ્ક્રેપ યાર્ડમાંથી 50,000 કિલો સ્ક્રેપનો ઉપયોગ કરીને 25 શિલ્પ કૃતિઓ બનાવી હતી. અને આશરે 24 લાખ ખર્ચ થયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં ગયા મહિને રી-ઇમેજીંગ વડોદરા વિશે પરીસંવાદનું આયોજન કરાયું હતું. જેમાં વડોદરામાં ગંદા અને આર્ટિસ્ટિક ન હોય તેવા મેટલના શિલ્પો ઉભા કરી દેવાયા તે મુદ્દે અને આવા ગંદા શિલ્પો ઊભા કરી દેવા બદલ વડોદરાનું કોઈ બોલતું નથી તે મુદ્દે પણ રાજમાતા દ્વારા ટકોર કરવામાં આવી હતી.