વડોદરા ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત એન્થોની સામે બોગસ દસ્તાવેજાે બનાવવાની વધુ એક ફરિયાદ દાખલ કરી

આધારકાર્ડ-પાનકાર્ડમાં ફોટો અનિલ ઉર્ફે એન્થોનીનો અને સરનામું મુંબઈનું હતું

MailVadodara.com - Vadodara-Crime-Branch-files-yet-another-complaint-against-notorious-Anthony-for-making-bogus-documents

- એન્થોનીને રાજસ્થાનના સોનુએ બોગસ આધાર-પાનકાર્ડ બનાવી આપ્યા હતા

- અનિલ ઉર્ફ એન્થોનીએ પોતાની ઓળખ છૂપાવવા તેમજ મોબાઇલ અને ટિકીટો ખરીદવા મિત્ર સન્ની સિંઘાનીયાના નામથી આધારકાર્ડ-પાનકાર્ડ બનાવ્યા હતા

બનાવટી ચલણી નોટોના કૌભાંડમાં ઝડપાયેલા કુખ્યાત અનિલ ઉર્ફ એન્થોની ગંગવાની સામે બોગસ આધારકાર્ડ સહિત દસ્તાવેજો બનાવવાની વધુ એક ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચે દાખલ કરી છે. અહીં નોંધનીય છે કે, અનિલ ઉર્ફે એન્થોની વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી 11 મહિના પહેલા પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. તેની તાજેતરમાં ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. તે સમયે તેની પાસેથી બે પિસ્તોલ, કારતુસ તેમજ બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડ મળી આવ્યા હતા.


ક્રાઇમ બ્રાંચ દ્વારા અનિલ ઉર્ફ એન્થોની ગંગવાની પાસેથી મળી આવેલા આધારકાર્ડ અને પાનકાર્ડમાં ફોટો અનિલ ઉર્ફ એન્થોનીનો હતો અને બંને કાર્ડમાં નામ સન્ની મહેશ સિંઘાનીયા હતું. જન્મ તારીખ 10-2-1985 તેમજ આધાર કાર્ડમાં સરનામું ઉલ્લાસનગર 5, મૈત્રી હાઇટ્સ સી.એચ.એસ. ગાર્ડન અંબિકાનગર-2, મુંબઇનું હતું. જેથી આ બંને દસ્તાવેજ તેણે ક્યાં બનાવ્યા હતા તે મુદ્દે પોલીસે તપાસ કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચે આધારકાર્ડ અને પાનકાર્ડ અંગે અનિલ ઉર્ફ એન્થોનીની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે, સયાજી હોસ્પિટલમાંથી જાપ્તામાંથી ભાગી ગયો હતો. પોતાની ઓળખ છૂપાવવા માટે મિત્ર સન્ની મહેશ સિંઘાનીયાના નામથી બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવ્યા હતા. આ આધારકાર્ડ અને પાનકાર્ડનો ઉપયોગ કરીને મોબાઇલ ફોનની ખરીદી તેમજ ટ્રાવેલ્સમાં ઓળખ આપી ટિકીટો કઢાવી અલગ-અલગ જગ્યાએ રહેતો હતો. 

તપાસ દરમિયાન અનિલ એન્થોનીએ સાત મહિના પહેલા રાજસ્થાનના ઉદેપુર ખાતે રહેતા ઓળખીતા સોનું બિશ્નોઇ પાસેથી આ બંને કાર્ડ બનાવ્યા હોવાની વિગતો કબુલતા પોલીસે અનિલ તેમજ સોનું સામે બનાવટી દસ્તાવેજો તૈયાર કરવાનો અને તેનો ઉપયોગ કરવાનો ગુનો નોંધ્યો છે.

ઉલ્લેખનિય છે કે, છોટાઉદેપુરના ગુનામાં અનિલ ઉર્ફે એન્થોની મુલચંદ ગંગાવાનીને 6 મે, 2022ના રોજ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો, તે સમયે અનિલ ઉર્ફે એન્થોની પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. ત્યાર પછી તેને પકડવા માટે વડોદરા પોલીસે 5 ટીમો બનાવી હતી અને છેલ્લા 7 માસથી તેની શોધખોળ ચાલુ હતી. પરંતુ, વારંવાર તેનું લોકેશન બદલાતું રહેતું હતું. દિલ્હી, નોઇડા, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર એમ જુદા-જુદા લોકેશન પર તે નાસ્તો ફરતો હતો. 

વડોદરા ક્રાઇમ બ્રાંચને ટેક્નિકલ સર્વેલન્સના આધારે ચોક્કસ બાતમી મળી હતી કે, આ આરોપી વડોદરામાં આવનાર છે. જેને લઈને વહેલી સવારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને ટીમ દ્વારા સર્વેલન્સ અને વોચ ગોઠવવામાં આવી હતી. જેના આધારે આરોપીને પકડવામાં અમે સફળ થયા છીએ. અનિલ ઉર્ફે એન્થોની સામે હત્યા, હત્યાન પ્રયાસ, લૂંટ, ધાડ, પ્રોહિબિશન, બનાવટી નોટો, બનાવટી દસ્તાવેજો સહિતના 41 ગુના નોંધાયેલા છે. આ ગુનાઓ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, જામનગર, વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, ખેડા, મોરબી અને મુંબઇના દહીસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા છે.

Share :

Leave a Comments