- યોજના 5 જૂન સુધી અમલમાં રહેશે, ઓનલાઇન વેરો ભરે તો વધુ 1 ટકો વળતર મળશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2023-24ના મિલકત વેરાના બિલની રકમ અગાઉના વર્ષોની પાછલી બાકી રકમ સહિત એકસાથે ભરપાઇ કરે તો રિબેટ (વળતર)આપવાની યોજના તારીખ 6 મેથી શરૂ થઈ રહી છે. આ યોજના હાલ એક મહિના માટે તારીખ 5 જૂન સુધી અમલમાં રહેશે. મિલકત વેરાની રકમ કોઈપણ વહીવટી વોર્ડ નંબર 1 થી 19 ની ઓફિસમાં સવારે 9:30 થી બપોરે 3 વાગ્યા સુધીમાં રૂબરૂ તથા કોર્પોરેશનની વેબસાઈટ પર ઓનલાઇન પણ ભરી શકાશે. વર્ષ 2023-24 માટે એડવાન્સ વેરા પ્રોત્સાહક રિબેટ (વળત૨) યોજના અમલમાં મૂકવાથી શહેરનાં અંદાજે 8.20 લાખ કરદાતાઓને આ યોજનાનો લાભ મળી શકે તેમ છે, એવું કોર્પોરેશનનું માનવું છે.
ચાલુ વર્ષે મિલકત વેરા પેટે 560 કરોડની આવક થવાનો અંદાજ છે. આ અંદાજને પહોંચી વળવા ગયા વર્ષની માફક પ્રોત્સાહક વેરાવળતર યોજના લાવવામાં આવી છે. એડવાન્સ વેરાની રકમ ઓનલાઇન ભરવા લોકો પ્રેરાય તે માટે પ્રોત્સાહન આપવા સર્વ પ્રથમ વખત 1 ટકા વધુ રિબેટ આપવામાં આવશે. રહેણાંક મિલકત માટે પ્રોપર્ટી ટેક્ષમાં 10 ટકા અને કોમર્શિયલ મિલકત માટે 5 ટકા વળતર અપાશે. કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષથી રહેણાંક મિલકતમાં ચોરસ મીટર એ 4 રૂપિયા અને કોમર્શિયલ મિલકતમાં 5 રૂપિયાનો વધારો કરેલો છે, એટલે સુઅરેઝ અને કંઝરવંસી ટેક્સ પણ વધી જશે. મિલકત વેરાની રકમ પૈકી સામાન્ય કર, પાણીકર અને કન્ઝરવન્સી અને સુઅરેઝ ટેક્ષની ૨કમ ૫૨ વળતર અપાશે, પરંતુ શિક્ષણ ઉપકર, સફાઇ ચાર્જ અને પર્યાવરણ ચાર્જ પર કોઇ રિબેટ મળશે નહીં. પર્યાવરણ ચાર્જ આ વર્ષથી અમલી બનાવાયો છે. એડવાન્સ વેરો ભરનારે ગયા વર્ષની વેરા ભર્યાની પાવતી અથવા વેરા બીલ સાથે લઈને જવાનું રહેશે. જેમાં દર્શાવેલા સેન્સસ નંબરના આધારે આ વર્ષનો કેટલો વેરો ભરવાનો થશે તે કોમ્પ્યુટરમાં જોઈને કર દાતાને જણાવી દેવાશે.