- આ ઉપરાંત વરસાદી કાંસ તેમજ વરસાદી ગટરોની ચેમ્બરોની સફાઈ પણ શરૂ કરાઇ
વડોદરા કોર્પોરેશન દ્વારા દર વર્ષની માફક ચોમાસા પૂર્વે વૃક્ષોની જોખમી ડાળીઓ કાપવી, વરસાદી કાસની સફાઈ, વરસાદી ગટરોની ચેમ્બરોની સફાઈ શરૂ કરી દેવામાં આવી છે, એમાં પણ શહેરમાં જાહેર માર્ગો પરના વૃક્ષોની જોખમી ડાળીઓ કાપવાની અને ટ્રીમીંગ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. જોકે આ કામગીરી આમ તો રૂટીન હોય છે, પરંતુ ચોમાસા પૂર્વે તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. કોર્પોરેશનના પાર્ક એન્ડ ગાર્ડનની ચારેય ઝોનમાં આ માટેની ઝોનલ ટીમ બનાવવામાં આવી છે. ઝાડની ઊંચી ડાળીઓ સુધી પહોંચવા શક્તિમાન અને હાઈડ્રો-પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે. જેના પર ઉભા રહીને કટરથી ડાળીઓ કાપી નાખવામાં આવે છે.
વડોદરા શહેરના જીઆઇપીસીએલ સર્કલથી સમા ફ્લેગ ગાર્ડન રોડ પર ડાળીઓ મોટા પ્રમાણમાં નમી ગયેલી હોવાથી કાપવાની કામગીરી કરવામાં આવી હતી. જે ઝાડ ખૂબ ઊંચાઈ સુધી હોય અને તેની ડાળીઓ નમેલી હોય તો તરત કાપવાની સૂચના આપવામાં આવી છે. ચોમાસા પૂર્વે હવામાનમાં ફેરફાર થતા વાવાઝોડું અને વંટોળ ફુકાય છે, ત્યારે આવી જોખમી ડાળીઓ નમી પડે છે, અથવા તો તૂટી પડે છે. જેના કારણે રસ્તા બંધ થઈ જવાના, વાહનો દબાઈ જવાના, ઈલેક્ટ્રીક વાયરો તૂટી જવાના બનાવો બનતા રહે છે.
ચોમાસા દરમિયાન ઝાડની ડાળીઓ ઇલેક્ટ્રીક વાયરો ઉપર પડતા શોર્ટ સર્કિટના તેમજ વિસ્તારોમાં લાઈટો ગુલ થઈ જવાના બનાવો પણ બને છે. ઘણીવાર તો ઝાડ નીચેથી પસાર થતા હોય ત્યારે લોકો પર ડાળીઓ તૂટવાની ઘટના બને છે. પ્રી-મોનસુનની કામગીરી સંદર્ભે કોર્પોરેશનમાં મીટીંગ મળે છે, ત્યારે આવી જોખમી ડાળીઓ વેળાસર કાપી નાખવાની સૂચના આપવામાં આવે છે. હાલ શહેરમાં ઠેર-ઠેર આ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. જે ડાળીઓ કાપવામાં આવે છે તેના લાકડા કોર્પોરેશનના અટલાદરા સ્ટોર ખાતે પહોંચતા કરવામાં આવે છે. ઘણી વખત ત્યાં જગ્યા ન હોય તો આ લાકડા કોર્પોરેશનના સ્મશાન ગૃહો પર પણ પહોંચાડી દેવામાં આવે છે.