- 21 સપ્ટેમ્બર સુધી તમામ 19 વોર્ડમાં નિશ્ચિત દિવસોએ શિબિર યોજાશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, સયાજી અને ગોત્રી હોસ્પિટલ તેમજ ટીમ આયુષ દ્વારા વડોદરા શહેરમાં આજથી શહેરના તમામ 19 વોર્ડમાં નક્કી કરેલા દિવસોએ નિ:શુલ્ક આરોગ્ય તપાસ શિબિરનો પ્રારંભ થયો છે. આજે વોર્ડ નંબર 10 માં ગોત્રી સ્થિત ચંદ્ર મૌલેશ્વર મહાદેવ મંદિર ખાતે ગુજરાત વિધાનસભાના દંડકના હસ્તે શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ શિબિર તારીખ 21 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. જોકે શિબિર નક્કી કરેલા દિવસોએ જ થશે. હાલ ચોમાસામાં પાણીજન્ય અને વાહક જન્ય રોગચાળો જોવા મળી રહ્યો છે. ખાનગી હોસ્પિટલો અને સરકારી દવાખાનાઓમાં દર્દીઓનો ઘસારો થઈ રહ્યો છે. તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલટી, પેટમાં દુખાવો, કમળો મેલેરિયા, વગેરેની ફરિયાદો સાથે દર્દીઓ આવી રહ્યા છે. ત્યારે આ પ્રકારની આરોગ્ય તપાસ શિબિરથી મધ્યમ વર્ગ, ગરીબ અને શ્રમજીવી વર્ગના લોકોને નિશુલ્ક તપાસણી સ્થળ ઉપર કરી દવાઓનું પણ વિતરણ નિશુલ્ક કરવામાં આવશે.
વડોદરા કોર્પોરેશનની આરોગ્ય સમિતિના અધ્યક્ષએ જણાવ્યું હતું કે, આરોગ્ય આપના દ્વારે અંતર્ગત શહેરના તમામ 19 વોર્ડની સેવા વસ્તીમાં આ પ્રકારના કેમ્પ થશે. સવારે 9 થી બપોરે 1 સુધી ચાલનારા આ કેમ્પમાં જે કોઈ દર્દીઓ આવે તેને સ્થળ પર ચકાસીને નિ:શુલ્ક દવા આપવામાં આવશે. મેલેરિયા, ડાયાબિટીસ, ડેન્ગ્યુ વગેરેના રિપોર્ટ પણ પણ નિ:શુલ્ક કાઢી આપવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ દર્દીને વધુ સારવાર માટે રિફર કરવાના થાય તો તેને ગોત્રી અથવા સયાજી હોસ્પિટલ પણ લઈ જવામાં આવશે અને તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ફિઝિશિયન, સ્કીન, સ્પેશિયાલિસ્ટ, સર્જન, ગાયનેકોલોજીસ્ટ વગેરે નિષ્ણાત સર્જનો પણ ઉપલબ્ધ રહેશે.