- સસ્તું મેળવવાની લ્હાયમાં આવા કાંડ થાય છે : મેડિકલ એસોસિએશન પ્રમુખ
ખેડામાં થયેલ સિરપ કાંડ બાદ વડોદરામાં પણ શહેર SOG દ્વારા વિવિધ મેડિકલ સ્ટોર પર સિરપના વેચાણને લઇ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરા શહેર જિલ્લામાં 1800 જેટલા મેડિકલ સ્ટોર આવેલા છે. આ કાર્યવાહીમાં એસઓજી દ્વારા શહેરના અક્ષરચોક, માંજલપુર, સયાજીગંજ, મકરપુરા, ફતેગંજ, વાઘોડિયા રોડ, આજવા રોડ સહિતની 20 જેટલા મેડિકલ સ્ટોરમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ મામલે મેડિકલ એસોસિએશનના પ્રમુખે જણાવ્યા મુજબ, સસ્તું મેળવવાની લ્હાયમાં આવા કાંડ થાય છે. FDAને સાથે રાખી કાર્યવાહી કરવી જોઈએ.
આ અંગે મેડિકલ એસોસિએશનના પ્રમુખ અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, આ ઘટના ખૂબ નિંદનીય છે. આ હેલ્થ સેક્ટર સાથે થયેલ ચેડાં બાબતે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આ ઘટનાને લઇ સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે શહેરમાં એસઓજી દ્વારા મેડિકલ સ્ટોર પર ચકાસણી કરવામાં આવી રહી છે. તે યોગ્ય છે તે બાબતે અમને કોઈ વાંધો નથી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે ટ્રેડર છીએ, અમે મેની ફેક્ચરર નથી. આ પ્રથમ દ્રષ્ટિએ ગુનો અમારા સુધી આવતો નથી.
વધૂમાં જણાવ્યું હતું કે, અમારા કોઈ પણ મેમ્બર આ ઘટનામાં બિલ વગર રાખી અને દોષિત આવે તો તેઓ સામે સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. તેઓના પરવાના રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવવી જોઈએ. અમે વારંવાર કહીએ છીએ કે, જો દવા યોગ્ય હાથથી યોગ્ય હાથમાં જાય તો તે સંજીવની બને છે. જ્યારે કોઈ યોગ્ય હાથથી અન્ય અયોગ્ય હાથમાં જાય તો તે ઝેર બની જાય છે. આપણી સામે તાજું ઉદાહરણ છે કે સિરપકાંડ સામે આવ્યું છે. જે આયુર્વેદિક પ્રિપરેશનમાંથી તૈયાર થયું છે. આ બાબતે FDA દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતે તમને અપીલ છે કે, આ બાબતે સખત કાર્યવાહી થવી જોઈએ,
વધુમાં ઉમેર્યું હતું કે, અમારા સભ્યોને વિનંતી છે કે આપણી શાખ ઓછી થાય તેવા કોઈ કારનામા ન કરવા જોઈએ. લોકોને પણ અપીલ છે કે, સસ્તું ખરીદવાની લાયમાં ન આવે. સસ્તું મેળવવાની લાયમાં જે ઘટના થઈ રહી છે, તેનું આ સૌથી મોટું ઉદાહરણ છે. SOG દ્વારા જે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે તે બાબતે અમને કોઈ પણ પ્રકારનો વાંધો નથી. અમારી શહેર પોલીસ કમિશનરને વિનંતી છે કે એસઓજી દ્વારા ખોટી હેરાનગતિ કરવામાં ન આવે. અમારા તરફથી પૂરતો સહકાર આપવામાં આવી રહ્યો છે. જ્યાં સુધી એફ.ડી.આઈ સાથે ન જોડાય ત્યાં સુધી પોલીસ યોગ્ય કાર્યવાહી કરી અને ખોટી હેરાનગતિ ન કરે. અમારા કોઈ પણ મેમ્બરને ખોટી રીતે દંડવાની કે હેરાન કરવાની કોશિશ ન કરે. જ્યારે કોઈ પણ મેડિકલ સ્ટોરીમાં પોલીસ આવે, ત્યારે લોકોમાં તેની ખૂબ ખરાબ ઇમેજ પડતી હોય છે.
આ અંગે SOGના પી.આઈ, વી. એસ. પટેલે જણાવ્યું હતું કે, ગતરોજ કાર્યવાહી કરવામાં આવી હતી અને આજે પણ આ કાર્યવાહી ચાલુ રહેશે. અગાઉ પણ અમે આ પ્રકારે રેડ કરેલી છે અને આયુર્વેદિક સિરપમાં ફોર્મ્યુલા આધારે અમે તપાસ કરતા હોઈએ છીએ. અનુભવ આધારે જે કઈ શંકાસ્પદ લાગે તેના નમૂના અમે એફડીઆઈમાં મોકલી આપીએ છીએ. આજે પણ આ કાર્યવાહી ચાલુ રહેશે.