વડોદરામાં પ્રધાનમંત્રી આવાસમાં નવા વીજ કનેક્શન માટે સ્માર્ટ વીજ મીટર નાંખવાનું શરૂ કરતા હોબાળો

MailVadodara.com - Uproar-as-installation-of-smart-power-meters-begins-for-new-power-connections-at-Prime-Minister-residence-in-Vadodara

- એમજીવીસીએલ દ્વારા પુનઃ સ્માર્ટ વીજ મીટર નાંખવાનું શરૂ કરાતા વિરોધ, લોકોના વિરોધને જોઇ MGVCLને કામગીરી પડતી મૂકવાની ફરજ પડી

- રહીશોએ એક સૂરે જણાવ્યું કે, અમારે સ્માર્ટ વીજ મીટર જોઇતા નથી


શહેરમાં MGVCL દ્વારા પુનઃ નવા વીજ કનેક્શન માટે સ્માર્ટ વીજ મીટર નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવતા વિરોધ શરૂ થયો છે. ગોરવા PM આવાસોમાં MGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવતા લાભાર્થીઓનો મોરચો કચેરીએ પહોંચ્યો હતો અને સ્માર્ટ મીટરનો વિરોધ કરી હોબાળો મચાવ્યો હતો. તમામ રહીશોએ એક સૂરે જણાવ્યું કે, અમારે સ્માર્ટ વીજ મીટર જોઇતા નથી. લોકોનો રોષ પારખીને વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા લાભાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, લોકોના વિરોધને જોઇ MGVCLને કામગીરી પડતી મૂકવાની ફરજ પડી હતી.

વડોદરા શહેરના ગોરવામાં આવેલા પ્રધાનમંત્રી આવાસના સ્વામી વિવેકાનંદ હાઇટ્સમાં આજે સ્માર્ટ મીટર સાથે નવા વીજ કનેક્શન આપવા માટે પહોંચેલી વીજ કંપનીને લોકોના રોષનો ભોગ બનવાનો વખત આવ્યો હતો. આવાસના તમામ રહીશો સુભાનપુરા વીજ કચેરીએ પહોંચ્યા હતા અને સ્માર્ટ મીટરનો વિરોધ કરી હોબાળો મચાવ્યો હતો. તમામ રહીશોએ એક સૂરે કહ્યું કે, અમારે સ્માર્ટ વીજ મીટર જોઇતા નથી.


વીજ કર્મીએ જણાવ્યું કે, ગોરવા સબ ડિવિઝનમાં 200 નવા વીજ કનેક્શનની માંગણી કરવામાં આવી છે. તે 200 કનેક્શન સ્માર્ટ મીટર થકી લગાવી રહ્યા છે. જોકે, લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે. નવા કનેક્શન સ્માર્ટ વીજ મીટર થકી જ લાગશે તેવો સરકારનો નિયમ છે પરંતુ, આ લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. અત્યારે અમારી સિસ્ટમનું અપગ્રેડ ચાલુ છે. તેમાં એવું હોય છે કે, ગ્રાહક વપરાશ કરે, તેનું બિલ પુરૂ થવા આવ્યું હોય ત્યારે તેને ત્રણ દિવસ પહેલા જાણ કરવામાં આવશે. તેના પછી જો ના ભરે તો કનેક્શન બંધ થઇ જાય છે. સરકારી આવાસ માટેનું છે એવું કંઇ નથી. દરેક નવા કનેક્શન માટે આ રીતે કરી રહ્યા છીએ.

સ્વામી વિવેકાનંદ સાઇટ્સ-3ના પ્રમુખ અનિલચંદ્ર પરમારે જણાવ્યું કે, અમે સ્વામી વિવેદાનંદ હાઇટ્સમાંથી આવીએ છીએ. તેમાં 1500થી વધુ મકાનો આવેલા છે. તે પૈકી પોણા ભાગના લોકોને ત્યાં ડિજિટલ મીટર આવી ગયા છે. બાકીના 200 ઘરોમાં સ્માર્ટ વીજ મીટર મુકવાનું તેઓ જણાવી રહ્યા છે. અમે જુના ડિજીટલ મીટરની માંગણી કરી તો તેમણે કહ્યું કે, તેમની પાસે તે નથી. તે લોકો આ વાતને સરકારનો નિયમ જણાવી રહ્યા છે. સ્માર્ટ મીટરનો પહેલા બહિષ્કાર કર્યો છે.

સ્વામી વિવેકાનંદ હાઇટ્સના ઉપપ્રમુખે જણાવ્યું કે, સ્માર્ટ મીટર લાગવું જ ના જોઇએ. અમારે સ્માર્ટ મીટર જોઇએ જ નહીં. આ વાતનો પહેલા બહિષ્કાર કર્યો છે. મોટા લોકોને ત્યાં લાગતા નથી અને સરકારી આવાસ યોજનામાં લાગી રહ્યા છે. જે સામે અમારો વિરોધ છે. 4-5 માસથી વીજ કનેક્શન આપવા માટે રજૂઆત કરવામાં આવી રહી હતી. તમામ ડોક્યુમેન્ટ જમા કરાવી દીધા હતા. સામે દિવાળી છે. હવે જ્યારે કનેક્શન આપવા આવ્યા ત્યારે સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યા છે. તે સામે અમારો વિરોધ છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ MGVCL દ્વારા સ્માર્ટ વીજ મીટર નાંખવાની કામગીરીનો પ્રચંડ વિરોધ થયો હતો. તે સમયે ચારેકોરથી વિરોધ વધતા કામગીરી બંધ કરવી પડી હતી. આ દરમિયાન MGVCL દ્વારા સ્માર્ટ વીજ મીટર સાથે જ નવા કનેક્શન આપવાની કામગીરી પુનઃ શરૂ કરવામાં આવતા વિરોધ શરૂ થયો છે.

Share :

Leave a Comments