- પ્રશાંત, સુરેશભાઈ કે ભાવેશમાં એવી કઈ લાયકાત છે જે ભાજપ માટે મજબૂરી બની..?
- ભૂતકાળમાં કોંગ્રેસની માનસિકતા સાથે ભાજપને પેટ ભરીને ગાળો આપતાં નેતાઓ હવે મોદી-મોદી કેવી રીતે કરશે..!
- ડૉ. વિજય શાહ ભલે જશ ખાટે પરંતુ કોંગ્રેસના નેતાઓ આવવાથી ભાજપને ફાયદો શું થશે ..!
કોંગ્રેસ મુક્ત ભાજપનું સપનું પુરુ કરતા કરતા વડોદરા શહેર ભાજપ કોંગ્રેસ યુક્ત ભાજપ બની રહ્યું છે.
તાજેતરમાં કોંગ્રેસના મોટા નેતાઓ સાથે સંખ્યાબંધ કાર્યકરોને ભાજપે પોંખ્યા. શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહે કોંગ્રેસ તોડ્યા નો જશ પણ ખાટ્યો. જો કે કોંગ્રેસની હાલત એવી તો હતી નહીં કે વડોદરામાં ભાજપ સામે પડકાર રૂપ બની ગયું હોય. ટૂંકમાં કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાવાથી ભાજપને ફાયદો પણ થવાનો નથી કે નથી નુકસાન થવાનું. તો પછી અહીં સવાલ એ છે કે ભાજપ સંગઠન કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને પોંખવા આટલુ હરખપદુડું કેમ થયું ? ભાજપ શહેરમાં મજબૂત સ્થિતિમાં છે છતાં કોંગ્રેસના નેતાઓને સમાવવાની જરૂર કેમ પડી ? શું પ્રશાંત પટેલ અને સુરેશ પટેલ કે પછી ભાવેશ પટેલ આવવાથી ભાજપ મજબૂત થશે ? ભાજપમાં પ્રશાંત પટેલ, સુરેશ પટેલ અને ભાવેશ પટેલ જેવા નેતાઓની ઉણપ હતી ? કોંગ્રેસમાંથી જોડાયેલા નેતાઓમાં એકમાત્ર પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ એવા નેતા છે કે જે બંને પક્ષના નેતાઓ માટે સન્માનીય છે. બાકીના આયાતી નેતાઓમાં એવી એક પણ લાયકાત નથી જે ભાજપની મજબૂરી બની શકે. ખેર, રાજકારણીઓ માટે કયો પક્ષ પસંદ કરવો અને ક્યારે પલ્ટી મારવી એની સંપૂર્ણ સ્વતંત્રતા છે. પરંતુ પક્ષ બદલવાનું જે કારણ આપવામાં આવે છે એ ઘણું હાસ્યાસ્પદ હોય છે. ઘણીવાર તો એવા કારણો આપવામાં આવે છે જે ગળે ઉતરે એવા હોતા નથી.
રાજકારણમાં પા-પા પગલી કરતા નવા નિશાળીયા પણ પક્ષ પલટુંનું પક્ષ છોડવાનું કારણ હસવામાં કાઢી નાંખે છે. કોઈ એમ કહે કે કોંગ્રેસ છોડવાનું કારણ કોંગ્રેસની હિન્દૂ વિરોધી માનસિકતા છે અથવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસ ગાથા થી પ્રેરાઈ ને ભાજપમાં જોડાયા છે. તો શું કહેવાતા બુદ્ધિશાળી નેતાઓ વર્ષો સુધી કોંગ્રેસની માનસિકતા સાથે હોદ્દા ભોગવતા રહ્યા ત્યારે મોદીની વિકાસ ગાથા જોતા આંખોને રતાઆંધળાપણું આવી જતું હતું..? કોંગ્રેસમાં રહી હોદ્દા ભોગવ્યા પછી અચાનક કોઈને ડહાપણ ની દાઢ ફૂટે તો શું કહેવું ? આવા પક્ષ પલ્ટુ નેતાઓને એવુ જયારે પૂછવામાં આવે કે તમે, કોંગ્રેસે માનસિકતા બદલવાની જરૂર છે એવી રજુઆત ક્યારેય કરી છે..? તો શું જવાબ આપી શકશે ખરા ?
પક્ષ પલ્ટો કરવો એ કોઈ પાપ નથી પરંતુ પક્ષ પલટા માટે જે પક્ષે બધુ જ આપ્યું એ પક્ષ ને બદનામ કરવો એ કેટલું યોગ્ય છે ? પોતાનો સ્વાર્થ જાહેર ના કરી શકતા હોય તો કઈ વાંધો નહીં પરંતુ જે પક્ષે માથે બેસાડ્યા હોય એ પક્ષ રાતો રાત અણગમતો કેમ થઈ જાય છે ? જ્યાં સ્વાર્થ ની વાત આવે ત્યાં ભાજપ હોય કે કોંગ્રેસ બધા જ "આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા" જેવા થઈ જાય છે.
જો કે આજકાલનું રાજકારણ કરોડ રજ્જુ વિનાનાનું થઈ ગયું છે. જે બાજુ ભાર આવે એ બાજુ ઢળી પડવાનું.. કરોડ રજ્જુ વિનાના રાજકારણીઓ પોતાની પ્રગતિ માટે પક્ષ છોડતાં પળ ભર નો વિચાર કરતા નથી. કોંગ્રેસમાં હતા ત્યારે ભાજપને પેટ ભરી ને ગાળો આપતાં થાકતા ન હતા એવા નેતાઓ શું હવે મોદી - મોદી કરશે..? કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓ અને કાર્યકરોનું સ્થાન શું ભાજપના લાખો કાર્યકરો કરતા ઉંચુ થઈ જશે ? કોંગ્રેસના કાર્યકરો કે નેતાઓને પક્ષમા હોદ્દા કે ચૂંટણીમાં ટિકિટો મળી જશે ? કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ અને કાર્યકરો પૈકી કેટલાક તો એવા છે કે કોંગ્રેસમાં હોદ્દા મેળવી કોંગ્રેસના ભોગે ધનાઢય થયા છે. અહીં એમ પણ કહેવાય છે કે શું પોતાના વેપાર ધંધા બચાવવા ભાજપની શરણાગતિ સ્વીકારવા સિવાય છૂટકો ન હતો.
ટૂંકમાં શહેર ભાજપ સંગઠન કોંગ્રેસ મુક્ત ભારત કરવાને બદલે કોંગ્રેસ યુક્ત ભાજપ કરવામાં સફળ રહ્યું છે.....!