વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલી ખુલ્લી જગ્યાઓમાં અસહ્ય ગંદકી, ડસ્ટબીનની બાજુમાં કચરાના ઢગલાં

પાલિકા તંત્ર દ્વારા લાખોના ખર્ચે સ્માર્ટ ડસ્ટબીન શોભાના ગાંઠિયા સમાન!

MailVadodara.com - Unbearable-filth-in-open-spaces-in-East-Vadodara-city-piles-of-garbage-next-to-dustbins

- પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષના વોર્ડમાં જ ગંદકી જોવા મળી રહી છે તો પછી શહેરના અન્ય વિસ્તારની તો વાત જ ક્યાં કરવી?!!


વડોદરા પાલિકા તંત્ર દ્વારા એક તરફ લાખોના ખર્ચે સ્માર્ટ ડસ્ટબીન મૂકવામાં આવ્યા છે પરંતુ બીજી તરફ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ખુલ્લી જગ્યાઓમાં અસહ્ય ગંદકી જોવા મળી રહી છે. આ સમગ્ર મુદ્દે સ્થાયી સમિતિના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલે સ્વચ્છતા અંગેની વાત મૂકી આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

વડોદરા સ્માર્ટ સિટી છે, પરંતુ શહેરના અનેક વિસ્તારોમા ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલમાં શહેરના કેટલાય વિસ્તારોમાં સ્માર્ટ અને અન્ય ડસ્ટબીન મૂકવામાં આવ્યા છે, પરંતુ આ ડસ્ટબીનો માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તાર કે જ્યાં વડોદરા મહાનગર પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષના વોર્ડમાં જ ગંદકી જોવા મળી રહી છે તો પછી શહેરના અન્ય વિસ્તારની તો વાત જ ક્યાં? 


શહેરના વાઘોડિયા રોડ પર સ્કૂલની બાજુમાં તો ક્યાંક દિવસભર વાહનોની અવર જવરથી ધમધમતા રોડની બાજુમાં ઠેર-ઠેર ડસ્ટબીનની બાજુમાં કચરાના ઢગલા જોવા મળ્યા હતા. પાલિકા તંત્ર દ્વારા દંડનીય કામગીરી તો કરાય છે પરંતુ યોગ્ય સ્થળ પર જઈ કાર્યવાહી થાય તો આ સમસ્યામાંથી બહાર નીકળી શકાય તેમ છે.


આ સમગ્ર મામલે સ્થાયી સમિતિના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, શહેરીજનો હવે સ્વચ્છતા બાબતે સજાગ બન્યા છે. પાલિકા તંત્ર દ્વારા જે ડસ્ટબીનો મૂકવામાં આવ્યા છે, લોકો તેમાં કચરો નાંખે સાથે જ ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીના સમયે તેમાં કચરો નાંખે સ્વયંભૂ જાગૃતિ કેળવે તેમ જણાવ્યું હતું. આ સાથે જ પાલિકા દ્વારા પણ સ્વચ્છતાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. જાહેર સ્થળોએ કચરો નાંખતા લોકો સામે પગલાં લેવામાં આવશે.


સીસીટીવી કેમેરા મૂકવાની કોઇ યોજનાના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, લોકો જાતે અનુસાશનનું પાલન કરે તે ખૂબ જરૂરી છે. તેમજ પાલિકાના વોર્ડના અધિકારીઓને પણ સ્વચ્છતા અંગેની સૂચનાઓ આપવામાં આવી છે.

Share :

Leave a Comments