સયાજીગંજમાં વિશ્વામિત્રી નદીના કાંઠે બિલ્ડીંગનો કાટમાળ નાખતા બે ટ્રક ઝડપાયા

પાલિકાના અધિકારીઓના આંખ આડા કાન વચ્ચે સામાજિક કાર્યકરે કોર્પોરેશનનું કામ કર્યું..!!

MailVadodara.com - Two-trucks-were-caught-dumping-building-debris-on-the-bank-of-Vishwamitri-river-in-Sayajiganj


વડોદરા શહેરને સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત પાલિકાની ટીમો દ્વારા શહેરને સ્વચ્છ બનાવવાના પ્રયાસો કરાઇ રહ્યા છે. વિશ્વામિત્રી નદીમાં અનેક સ્થળે વાહનચાલકો દ્વારા કચરો નખાતો હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. જેના પગલે પાલિકાની ટીમે કાલાઘોડા બ્રિજ, રાત્રીબજાર બ્રિજ, ભીમનાથ બ્રિજ અને મંગલપાંડે રોડ પર સીસીટીવી કેમેરા ગોઠવ્યા હતા. આ સીસીટીવી કેમેરાની મદદથી પાલિકાએ બ્રિજ પરથી નદીમાં કચરો નાખતા લોકોના વાહનોના નંબરના આધારે દડનીય કાર્યવાહી કરી હતી.



બીજી તરફ પાલિકા તંત્ર દ્વારા વિશ્વામિત્રી નદી કિનારાના કેટલાક સ્થળોએ ફેન્સિંગ પણ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, છતાં કેટલાક બિલ્ડરો દ્વારા હજી પણ કાટમાળ નદીના પટમાં ઠાલવવામાં આવી રહ્યા છે, ત્યારે આજરોજ શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા ભીમનાથ બ્રિજ રોડ નજીકના વિશ્વામિત્રી કિનારે ડેબ્રિજ ઠાલવતા બે મોટા ડમ્પરોને મિડિયા તથા સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ઘટના અંગે પાલિકાના અધિકારીઓને જાણ કરતાં સ્થળ પર દોડી ગયા હતા. 


ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ અહીં બિલ્ડરો દ્વારા ઘણો ડેબ્રિજ વિશ્વામિત્રીમાં ઠાલવવામાં આવ્યો હતો. અહીં બેખૌફ બની બિલ્ડર દ્વારા ડમ્પરો ભરી ડેબ્રિજ નાંખવામાં આવી રહ્યું છે, જેના કારણે પર્યાવરણને તથા જળચર જીવોને નુકશાન થાય છે, સાથે જ વિશ્વામિત્રી નદીમાં પુરાણને કારણે ભવિષ્યમાં પૂરના જોખમની શક્યતાઓ છે ત્યારે આ મુદ્દે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં સ્થાનિક કાઉન્સિલરો પણ ધ્યાન નથી આપતા અથવા તો કોઇક કારણોસર આંખ આડા કાન કરી રહ્યાં છે.


આ સમગ્ર મામલે પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, જાગૃત મિડિયા તથા જાગૃત નાગરિક દ્વારા આ ડેબ્રિજ નાંખતા ડમ્પરને રંગેહાથ પકડ્યા છે. પાલિકા તંત્ર દ્વારા ડમ્પરને ટાંચમાં લઇ કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવમાં ડમ્પરના જે પણ માલિક કે બિલ્ડર હશે તેની સામે ચોક્કસપણે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથે જ અહીં જે પૂરાણ કરવામાં આવ્યું છે, તે દિશામાં પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને અહીં સીસીટીવી કેમેરા પણ મૂકાશે.

Share :

Leave a Comments