- ઓનલાઇન ઠગાઇ બાદ બેન્કમાંથી રૂપિયા ટ્રાન્સફર કરાવવા બંને ઠગો એજન્ટ મારફતે નેપાળથી માણસો બોલાવી એકાઉન્ટ ખોલાવતા હોવાનું ખૂલ્યું
વડોદરા વાઘોડિયા જીઆઇડીસી વિસ્તારમાં કેમિકલ બનાવતી ફેક્ટરીના એક સંચાલકને યુકેની ફાર્મા કંપનીને રો-મટિરિયલ સપ્લાય કરવાના નામે રૂ.૪૭.૪૫ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવાના બનાવમાં સાયબર સેલે બે ઠગને ઝડપી પાડયા છે.
વાઘોડિયા રોડના વિપુલભાઇ શાહને યુકેની મલ્ટિ નેશનલ ફાર્મા કંપનીમાં પરચેઝ મેનેજર તરીકે ડો.ડોનાન્ડે રો-મટિરિયલ સપ્લાય કરવા માટે એજન્ટ તરીકે ઓફર કરી ૭૦ ટકા નફાની લાલચમાં ફસાવ્યા હતા. ડોનાલ્ડે ચંદીગઢની શર્મા એન્ટરપ્રાઇઝ આ રો-મટિરિયલ સપ્લાય કરતી હોવાથી તેનો સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ ડોનાલ્ડના કહેવા મુજબ ચંદીગઢની કંપનીને રૂપિયા ચૂકવી રો-મટિરિયલ લીધું હતું.
બીજી તરફ વિદેશી કંપનીએ ડોલરમાં પેમેન્ટ લઇ માણસ રૂબરૂ આવ્યો છે પરંતુ ડોલર કન્વર્ટ કરવામાં તેમજ જુદી-જુદી સરકારી પ્રક્રિયામાં રૂપિયા ખર્ચ કરવાના નામે વિપુલભાઇ પાસેથી રૂ.૪૭.૪૫ લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ દરમિયાનમાં મોરબી પોલીસે ઠગાઇના ગુનામાં મો.ફિરદોશ મો.ઇસ્માઇલ રાજ મહંમદ શેખ અને અનાઉલ્લામીયા અશગરઅલી અબ્દુલહક્ક અંસારી (બંને રહે.લુધીયાણા, ચંદીગઢ રોડ, પંજાબ નં.૧ મૂળ બિહાર અને નં.૨, મૂળ રહે.નેપાળ)ને ઝડપી પાડતાં વડોદરાના ગુનાની વિગતો ખૂલી હતી.
વડોદાર સાયબર સેલના એસીપી હાર્દિક માંકડિયાએ એક ટીમ મોકલી બંનેની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી વડોદરા લાવવાની તજવીજ કરી હતી. પોલીસની તપાસમાં બંને ઠગોએ બોગસ કંપની ઉભી કરી તેમના નામના બેન્ક એકાઉન્ટમાં વિપુલભાઇના રૂપિયા ટ્રાન્સફર કરાવી ઉપાડી લીધા હતા.
ઉલ્લેખનીય છે કે, ઓનલાઇન ઠગાઇ કરતી ગેંગનું નેપાળ સાથેનું કનેક્શન ખૂલતાં પોલીસ ચોંકી ઉઠી છે. વડોદરાના ફેક્ટરી સંચાલક સાથે રૂપિયા ૪૭ લાખની ઠગાઇ કરનાર બંને ઠગોમાંથી અમાનઉલ્લામીયા નામનો ઠગ નેપાળનો વતની હોવાની વિગતો ખૂલી હતી. ઓનલાઇન ઠગાઇ કર્યા બાદ બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કરાવવા માટે બંને ઠગો બોગસ પાનકાર્ડ અને આધારકાર્ડને આધારે એજન્ટ મારફતે નેપાળથી માણસો બોલાવી એકાઉન્ટ ખોલાવતા હોવાની વિગતો ખૂલી છે. પોલીસને આવા 40 બેન્ક ખાતાની વિગતો મળતાં તેની વધુ તપાસ કરવામાં આવી રહી છે.