- વર્ષ-2021થી 2023 દરમિયાન બાઇકોની ચોરી કર્યાની કબુલાત કરી
- પોલીસે આરોપીના ઘરે તપાસ કરતા 10 બાઇક અને એન્જિન મળી આવ્યા
છેલ્લા કેટલાંક સમયથી સાવલી તાલુકામાં મોટર સાઇકલોની ચોરી કરી હાહાકાર મચાવી મૂકનાર બાઇક ચોરનો આખરે સાવલી પોલીસે પર્દાફાશ કર્યો છે. સાવલી પોલીસે આરોપીને ઝડપી પાડી 12 બાઇક ચોરોનો ભેદ ઉકેલી 10 બાઇકો રીકવર કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ ગુનામાં બે બાઇક ચોરોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
સાવલી પોલીસ મથકના સિનીયર પી.એસ.આઇ. એ.એમ. કામળીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાંક સમયથી સાવલી તેમજ આસપાસના વિસ્તારોમાંથી બાઇક ચોરીના બનાવો વધી ગયા હતા. બાઇક ચોરીના ગુનાઓને અટકાવવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં સાવલી પોલીસને સફળતા મળી છે.
તેમણે જણાવ્યું હતું કે, સાવલી પોલીસ મથકના સેકન્ડ પી.એસ.આઇ. ડી.એમ. વાંસદીયા સ્ટાફના અનાર્મ ટેડ કોન્સ્ટેબલ ગોપાલસિંહ વિજયસિંહ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ મસુલભાઇ દલાભાઇ અને પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ મોટી ભાડોલ ગામ ચોકડી પાસે વાહન ચેકીંગ કરી રહ્યા હતા. દરમિયાન હાલોલ તરફથી એક યુવાન બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો. તેની પાસે બાઇકના કાગળો માંગતા તે ગલ્લાંતલ્લા કરવા લાગ્યો હતો. પોલીસે તેનું નામ પુછતા તેનું નામ ગીરીશ ઉદેસિંહ પરમાર (રહે. રાણીપુરા ગામ, સાવલી)નો રહેવાસી હોવાનું જણાવ્યું હતું.
આ દરમિયાન તેની કડકાઇથી પૂછપરછ કરતા ગીરીશ પરમાર ગભરાઇ ગયો હતો. બાદમાં પોલીસે ગીરીશને સાથે રાખી તેના ઘરે જઇ તપાસ કરતા ચોરીની મોટર સાઇકલો તેમજ બાઇકના એન્જિન મળી આવ્યા હતા. પોલીસે તેની વધુ પૂછપરછ કરતા તેણે બાઇક ચોરીમાં તેના સાગરીત યોગેશ વિજય રાઠોડ (રહે. હિંમતપુરા ગામ, તા. કાલોલ, જિ પંચમહાલ)નું નામ આપ્યું હતું. પોલીસે તેની પણ બાઇક ચોરીના ગુનામાં ધરપકડ કરી હતી.
સાવલી પોલીસ મથકના સિનીયર પી.એસ.આઇ. એ.એમ. કામળીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓની પૂછપરછમાં તેઓએ વર્ષ-2021થી 2023 દરમિયાન સાવલી, કાલોલ અને હાલોલમાંથી જુદા-જુદા સ્થળોએથી બાઇકોની ચોરી કર્યાની કબુલાત કરી હતી. તેઓએ એવી પણ કબુલાત કરી હતી. કેટલીક બાઇકોના એન્જિન સહિતનો સામાન કાઢીને વેચી માર્યો છે. આ બંને બાઇક ચોરી કર્યા બાદ બાઇકને વેચવાના બદલે તેના સ્પેરપાર્ટ કારીને વેચી મારતા હતા. બંને સામે સાવલી પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે.