- એક હોદ્દેદારે ગણેશ મંડળના આયોજકોની ફરિયાદ સંગઠનમાં તેમના ગોડ ફાધરને કરી..!
- ગોડ ફાધરે હોદ્દેદાર નો પક્ષ લઈ આયોજકોને કાર્યાલય પર બોલાવી ધમકાવ્યા..!!
વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવમાં આરતીમાં બોલાવવામાં નહીં આવતા એક રાષ્ટ્રીય પક્ષના એક હોદ્દેદાર લુખ્ખાગીરી પર ઉતરી આવ્યા હતા. તેમણે સંગઠનના એક હોદેદાર સાથે મળીને આયોજકોને કાર્યાલય પર બોલાવી વ્યાજખોરોની જેમ રીતસર ધમકાવ્યા હતા.
આધારભુત વર્તુળોથી મળતી માહિતી મુજબ એક હોદ્દેદારને તેમના વિસ્તારમાં ઉજવવામાં આવેલા ગણેશ ઉત્સવમાં આરતીમાં બોલાવવામાં આવ્યા ન હતા. ટૂંકી ગરદનવાળા આ મહાશયને એવી અપેક્ષા હતી કે તમામ ગણેશ મંડળો તેમને આરતી માટે બોલાવે અને મફતમાં તેમને પ્રસિદ્ધિ મળે. જો કે તેમના સ્વભાવને કારણે આયોજકોએ તેમને ગણેશ ભગવાન થી દૂર રાખવાનું મુનાસીફ માન્યુ. બસ આ વાત આ હોદ્દેદારને ના ગમી. "માન ન માન હુ તારો મહેમાન" એવી માનસિકતા ધરાવતા આ હોદ્દેદારે ગણેશ વિસર્જન બાદ તેમના ગોડ ફાધર અને સંગઠનના એક હોદ્દેદાર આગળ રોદણાં રડ્યા. પોતાના શિષ્યની ફરિયાદ બાદ સંગઠનના હોદ્દેદારે ગણેશ આયોજકો ને કાર્યાલય પર બોલાવ્યા હતા અને બંને ભેગા થઈ ને આયોજકોને ધમકાવ્યા હતા. છેલ્લી ભાષામાં ઉતરી પડેલા બંને હોદ્દેદારો એ એટલે સુધી કીધું હતું કે "આવતા વર્ષે તમારે ગણપતિ બેસાડવાના છે કે નહીં ?" જો કે આયોજકોએ મચક આપી ન હતી. આયોજકો બંને હોદ્દેદારો સામે પક્ષના હાઈ કમાન્ડ ને ફરિયાદ કરવાનું વિચારી રહ્યા છે.