- ટોળકીના ફરાર ચાર સાગરીતોને ઝડપી પાડવા માટે તપાસ શરૂ
વડોદરા જિલ્લાના વાઘોડિયામાં પાર્ક કરેલા ટેમ્પોમાંથી રૂપિયા 1,27,971 રોકડ મૂકેલ પાકીટની ચોરી કરનાર ટોળકીના બે સાગરીતોને વાઘોડિયા પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ટોળકીના ફરાર ચાર સાગરીતોને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.
વાઘોડિયા પોલીસ મથકના પોલીસ અધિકારી પી.આર. જાડેજાએ જણાવ્યું હતું કે, વાઘોડિયામાં તા. 28-3-023ના રોજ એક ટેમ્પોના કેબિનમાં પાકીટમાં મૂકેલા રૂપિયા 1,17,971 રોકડની ચોરી થઇ હતી. આ ચોરીના બનાવ અંગે ટેમ્પોના માલિકે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. વાઘોડિયા પોલીસે ટેમ્પોમાંથી રોકડ મૂકેલ પાકીટની ચોરી કરી જનાર ટોળકી સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા માટે ઘટના સ્થળ પાસેથી CCTV ફૂટેજ મેળવ્યા હતા. અને આરોપીઓને શોધી કાઢવા માટે કવાયત હાથ ધરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, વાઘોડિયા પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન અનાર્મ હેડ કોન્સ્ટેબલ પ્રવિણસિંહને માહિતી મળી હતી કે, ટેમ્પોમાંથી ચોરી કરનાર ટોળકીના સી.સી. ટી.વી.માં જણાઇ આવેલા બે યુવાનો વાઘોડિયા નજીક આવેલી કોલેજ પાસે ફરી રહ્યા છે. તુરંત જ તેઓ ટીમના અન્ય પોલીસ જવાનોની મદદ લઇ કોલેજ પાસે બાઇક ઉપર ફરી રહેલા બે યુવાનોને દબોચી લીધા હતા. તેઓની પૂછપરછમાં કિરણકુમાર મથુરામન તુટીનાયકર (મૂળ રહે. તામીલનાડુ, હાલ રહે. વાકીપાડા, મહારાષ્ટ્ર), કાર્તી ઉર્ફ કાર્તિક આરમોગમ નાયડુ (રહે. વાકીપાડા, મહારાષ્ટ્ર) હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે ઝડપી પાડેલા બે આરોપીઓ પાસેથી તેઓના સાગરીતોની વિગતો મેળવવા અને મુદ્દામાલ કબજે કરવા માટે તેઓને વાઘોડિયા કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન તેઓએ ચોરી કર્યાની કબુલાત સાથે વિગ્નેશ વેલુ ઉર્ફ રમેશ નાયડુ, વ્યંકટેશ તેલુર નાયડુ, પ્રતીપકુમાર નાયડુ અને શિવા મારીમુથુ નાયડુ (તમામ રહે. વાકીપાડા, મહારાષ્ટ્ર) હોવાનું જણાવતા પોલીસે ચારેયની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.