અવાખલ પાસેથી જૂનાગઢના કેશોદમાં લઇ જવાતા 30 લાખના દારૂ સાથે બેની ધરપકડ, 3 વોન્ટેડ જાહેર

શિનોર પોલીસે સેગવાથી સાધલી વચ્ચે વોચ ગોઠવી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

MailVadodara.com - Two-arrested-with-liquor-worth-30-lakhs-from-Avakhal-to-Keshod-in-Junagadh-3-wanted-declared

- પોલીસે 525 પેટી દારૂ, પશુ દાન, ટ્રક મળી કુલ 46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો


વડોદરાના અવાખલ ગામ પાસેથી ટ્રકમાં પશુ દાનની આડમાં ટ્રકમાં લઇ જવાતો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો રૂપિયા 30.33 લાખની કિંમતનો જથ્થો શિનોર પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે 525 પેટી દારૂ, પશુ દાન, ટ્રક મળી કુલ રૂપિયા 46 લાખનો મુદ્દામાલ કબજે કરવા સાથે ટ્રક ચાલક સહિત બેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ પકડાયેલો વિદેશી દારૂનો જથ્થો જૂનાગઢના કેશોદ લઇ જવાતો હતો.

મળેલી માહિતી પ્રમાણે શિનોર પોલીસ મથકના પી.એસ.આઇ. એ.આર. મહિડાને માહિતી મળી હતી કે, દારૂ ભરેલી એક ટ્રક સેગવા ચોકડીથી સાધલી પાસેથી પસાર થનાર છે. જે બાતમીના આધારે સ્ટાફના અશ્વિનસિંહ, શંકરભાઇ, રમેશભાઇ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ, વર્ધાજી બળવંતજી, નરેશભાઇ, ગીરીશભાઇ, ગણેશભાઇ વગેરે જવાનોની અલગ-અલગ ટીમો બનાવી સેગવાથી સાધલી વચ્ચે પોલીસની વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન અવાખલ તરફ જવાના રસ્તા ઉપર એક શંકાસ્પદ ટ્રક પસાર થતા વોચમાં ગોઠવાયેલી પોલીસે રેકી હતી.


ટ્રક રોક્યા બાદ તેમાં તપાસ કરતા પ્રાથમિક તબક્કે ટ્રકમાં પશુ દાન અને કુસ્કી ભરેલા કોથળા જણાઇ આવ્યા હતા. દરમિયાન પોલીસે ટ્રકમાં વધુ તપાસ કરતા તેમાંથી 525 પેટી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટ્રક ચાલક સગીરખાન ઉર્ફે મુન્નો બાબુખાન પઠાણ (રહે. અમજેરા, જિ. ધાર, મધ્યપ્રદેશ) અને બબલુ અમરતલાલ ભંડોર (રહે. અમજેરા, મધ્યપ્રદેશ)ની અટકાયત કરી મુદ્દામાલ સાથેની ટ્રક કબજે કરી હતી. પોલીસે ટ્રક ચાલકની કરેલી પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો જૂનાગઢના કેશોદમાં લઇ જવાનો હતો અને કેશોદ જઇને ફોન કરવાનો હતો.

દરમિયાન પોલીસે દારૂની પેટીઓ ખાલી કરી ગણતરી કરતા 12,504 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે રૂપિયા 30,33,600ની કિંમતનો ભારતીય બનાવટનો દારૂ કબજે કરવા સાથે ટ્રકમાંથી રૂપિયા 64,300ની કિંમતનું 173 બેગમાં ભરેલું પશુ દાન, કુસ્કી, મોબાઇલ ફોન અને ટ્રક મળી કુલ રૂપિયા 46,09,630નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તે સાથે પોલીસે ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ સગીરખાન ઉર્ફે મુન્નો પઠાણ અને બબલુ ભંડોર ઉપરાંત આ ગુનામાં સંડોવાયેલા નૌશાદખાન શૌકતખાન (રહે. આમવાલા માર્ગ, ઇન્દોર), લડ્ડુ (રહે. વાપી, સેલવાસ) અને દારૂ મંગાવનાર જૂનાગઢના કેશોદની અજાણી વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો હતો.

Share :

Leave a Comments