1942માં ઓગસ્ટ ક્રાંતિ વખતે વડોદરામાં શહીદ થયેલા બે ક્રાંતિવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

વર્ષ 1942ની ઓગસ્ટે વડોદરાનો રાવપુરા વિસ્તાર લડાયક મેદાનમાં ફેરવાઇ ગયો હતો

MailVadodara.com - Tributes-paid-to-two-revolutionaries-who-were-martyred-in-Vadodara-during-the-August-Revolution-of-1942

- વર્ષ 1942માં 18 ઓગસ્ટે સરઘસ નીકળ્યું ત્યારે પોલીસ કમિશનર એડવીનોએ ફાયરિંગનો આદેશ આપતા બંને ક્રાંતિવીર શહીદ થયા હતા

- બંને ક્રાંતિવીરની સ્મૃતિમાં રાવપુરા કોઠી પોળના નાકે શહીદ સ્મારક બનાવ્યું છે


1942માં 18મી ઓગસ્ટે વડોદરાના બે ક્રાંતિવીર સોમાભાઈ પંચાલ અને ભગવાનદાસ રાણા શહીદ થયા હતા. આ બંને શહીદની સ્મૃતિમાં વડોદરાના રાવપુરા વિસ્તારમાં કોઠી પોળના નાકે શહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આજે સવારે ફુલહાર અર્પણ કરીને બંને શહીદને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

1942ની ઓગસ્ટ ક્રાંતિ વખતે વડોદરામાં પણ આઝાદીની લડાઈનો જુસ્સો જોવા મળ્યો હતો. 18મી ઓગસ્ટે સ્વ.ભાનુબેન આઝાદની આગેવાનીમાં મહિલાઓ અને પુરુષોનું એક સરઘસ રાવપુરા કોઠી પોળમાંથી નીકળવાની તૈયારી કરતું હતું ત્યારે તત્કાલીન પોલીસ કમિશનર એડવિનો પોતાના ઘોડા પર સવાર થઈને પોળ સામે આવીને ઊભા રહી ગયા હતા. તેમની સાથે બંદૂક ધારી પોલીસ પણ હતી. જો કે સરઘસ તેના નિયત સમયે નીકળ્યું કે તરત જ કમિશનરે લાઠી ચાર્જ શરૂ કરાવ્યો ત્યારે ભાનુબેને કમિશનર એડવિનો જે ઘોડા પર બેઠા હતા તે ઘોડાની લગામ ખેંચી લીધી હતી. જેથી કમિશનર છંછેડાયા હતા અને કોઈપણ જાતનો વિચાર કર્યા વગર સીધો ફાયરનો હુકમ કર્યો હતો. સરઘસમાં જોડાયેલા લોકોએ ક્રાંતિકારી મિજાજ બતાવી સામે પથ્થરમારો શરૂ કર્યો હતો. પરિણામે સ્થિતિ સ્ફોટક બની ગઈ હતી. 


રાવપુરા વિસ્તાર લડાયક મેદાનમાં ફેરવાઈ ગયો હતો. જોકે ફાયરિંગમાં સોમાભાઇ બેચરભાઈ પંચાલ અને ભગવાનદાસ ગોપાલદાસ રાણા નામના બે યુવાનો ગોળીઓનો ભોગ બનતા શહિદ થયા હતા. આ બનાવ બનતા લોકો પણ ઉશ્કેરાયા હતા અને ઠેર ઠેર બહાર નીકળી આવ્યા હતા. પરિસ્થિતિ તંગ બનતા તે દિવસે સાંજે પોલીસ કમિશનરે રાવપુરા વિસ્તારમાં કરફ્યુની જાહેરાત કરી હતી અને ચાર દિવસ સુધી કરફયુ ચાલુ રહ્યો હતો. રાવપુરાની પાંચ પોળનો આઝાદીની લડતમાં મોટો ફાળો રહ્યો છે. આ બંને શહીદને દર વર્ષે 18મી ઓગસ્ટે તેમના બલિદાન બદલ યાદ કરવામાં આવે છે અને શ્રદ્ધાંજલિ અર્પણ કરાય છે. 


કોઠીપોળના નાકે આવેલા શહિદ સોમાભાઇ પંચાલ-ભગવાનદાસ રાણાના શહિદ સ્મારક ખાતે આજે બેન્ડની સુરાવલી સાથે પાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ડે.મેયર નંદા જોષી, ચેરમેન હિતેન્દ્ર પટેલ, વિપક્ષી નેતા અમી રાવત, કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત સહિત રાજકીય મહાનુભાવો-હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Share :

Leave a Comments