- અત્યાર સુધીમાં 780 ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આવ્યા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 11 મહિનાના કરાર આધારિત કુલ 554 વર્કરની ભરતી માટે ઉમેદવારોની પ્રોવિઝનલ યાદીમાં જે ઉમેદવારના નામ હોય તેઓના ઓરીજનલ ડોક્યુમેન્ટ્સ વેરીફીકેશનની કામગીરી પ્લેનેટેરીયમ ખાતે છ દિવસથી ચાલી રહી છે અને આજે છેલ્લો દિવસ છે. અગાઉ 554 વર્કરની ભરતી માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવી હતી.
વડોદરા કોર્પોરેશન દ્વારા જે ભરતી કરવાની છે તેમાં 106 પબ્લિક હેલ્થ વર્કર અને 448 પુરુષ ફિલ્ડ વર્કરનો સમાવેશ થાય છે. પબ્લિક હેલ્થ વર્કર માટે 6402 અરજી મળી હતી. જેમાંથી 2,702 ગેર લાયક ઠરી હતી. ફિમેલ હેલ્થ વર્કર માટે 6402 અરજી મળી હતી અને તેમાંથી 4,013 ગેરલાયક થઈ હતી. આમ 12,804 અરજીમાંથી 6089 અરજી માન્ય રહી હતી અને 6715 અરજી ગેરલાયક રહી હતી. વેરિફિકેશન માટે આશરે 2000 ઉમેદવારોને બોલાવ્યા હતા. જેમાંથી પબ્લિક હેલ્થ વર્કર માટે આજ સુધી 255 અને ફિલ્ડ વર્કર માટે 525 હાજર રહ્યા છે. આજે સાંજે કામગીરી પૂર્ણ થશે ત્યારે કુલ કેટલા હાજર રહ્યા તે ચિત્ર સ્પષ્ટ થશે. સ્ક્રુટીની બાદ લાયકાત વગેરે ધ્યાનમાં રાખીને મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે અને તેના આધારે પસંદગી થશે.
ઉલ્લેખનીય છે કે, હાલ 11 માસના કરાર આધારિત ચાલુ હેલ્થ વર્કરોની મુદત જૂન માસમાં પૂર્ણ થાય તે પૂર્વે નવા 554 હેલ્થ વર્કરોનું પસંદગીનું કાર્ય પૂર્ણ કરી દેવામાં આવશે. જે હેલ્થ વર્કરો ફરજ પર લેવાશે તેઓ દ્વારા વાહક જન્ય અને પાણીજન્ય રોગ નિયંત્રણની કામગીરી કરવામાં આવશે.