- વરસાદી કાંસમાં હિટાચી અને પોકલેન્ડ મશીન ઉતારાયા, 15 કિલોમીટર જેટલી સફાઈની કામગીરી થશે અને ચોમાસા પહેલાં કામગીરી પૂર્ણ કરાશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રિમોન્સૂન કામગીરી સંદર્ભે રીવ્યુ મીટીંગ યોજાઇ હતી. જેમાં નેશનલ હાઇવે સમાંતર વરસાદી પાણીનો નિકાલ કરવા સહિતના આયોજનો સંદર્ભે ચર્ચા થઈ હતી, અને 30 મે સુધીમાં વરસાદી કાંસોની સફાઈ કામગીરી પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી. શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન હાઇવે બહારનું પાણી આવે છે અને તેના કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે. વર્ષો જૂની આ સમસ્યાના નિકાલ માટે હાઇવે બહારનું પાણી શહેરમાં પ્રવેશે તે પહેલા જ બારોબાર નિકાલ કરી દેવા આયોજન કરવામાં આવી રહ્યું છે.
આજે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન હાઇવે પર જોબન ટેકરી, શંકરપુરા પહોંચ્યા હતા. જ્યાં કોર્પોરેશન, વુડા, સિંચાઈ વિભાગ વગેરેના સહયોગથી હાઇવે બહારનું પાણી વરસાદી કાંસ દ્વારા જાંબુવા નદીમાં ઠલવાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ સવારથી કામગીરી શરૂ કરવામાં આવી છે.
ચેરમેનના કહેવા મુજબ વરસાદી કાંસમાંથી વનસ્પતિ, ઝાડી-ઝાંખરા, કાદવ-કિચડ સહિતનો કચરો બહાર કાઢવામાં આવી રહ્યો છે. જેના લીધે સાંકડો બની ગયેલો વરસાદી કાંસ ખુલ્લો થાય છે. પરિણામે વરસાદી પાણીના નિકાલ આડેના અવરોધો દૂર થશે અને પાણી સીધું વહી જશે. અહીંથી કામગીરી અણખોલ, વડદલા, રતનપુર, કેલનપુર થઈ જાંબુવા નદીમાં પાણી ઠલવાય તે રીતે કરવામાં આવશે. વરસાદી કાંસમાં હિટાચી અને પોકલેન્ડ મશીન ઉતારવામાં આવ્યા છે. આશરે 15 કિલોમીટર જેટલી સફાઈની કામગીરી થશે અને ચોમાસા પહેલાં આ કામગીરી પૂર્ણ કરી દેવાશે.
ઉલ્લેખનીય છે કે, હજુ એક મહિના પહેલા કોર્પોરેશનના એન્જિનિયરો તથા બીજા અધિકારીઓએ પૂર્વ વિસ્તારના ખટંબા રોડ સહિતના વિસ્તારોમાં જઈ નકશાના આધારે સ્થળ પરની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. પુર્વ વિસ્તારમાં વુડા વિસ્તારના ટીંબી અને અણખોલ તળાવમાંથી વરસાદી પાણી શહેરમાં પૂર્વ વિસ્તારમાં વાઘોડીયા રોડ પર આવે છે અને પાણીનો ભરાવો થાય છે. પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં બહારના પાણીના ભરાવાના કારણે જે પરિસ્થિતિ ઉભી થાય છે તે માટે આ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. વરસાદી કાચી કાંસનો 3 કી.મી. જેટલો વિસ્તાર વુડામાં અને 13 કી.મી. સીટી વિસ્તારના બહાર બાજુ આવે છે.