પાદરામાં રિક્ષામાં બેઠેલા મુસાફરના ખિસ્સામાંથી બાજુમાં બેઠેલા ઠગે રૂપિયા 50 હજાર સેરવી લીધા

પાદરાના લતીપુરા ગામે રહેતા રાજેશકુમાર વાઘેલા સિક્યુરીટી તરીકે નોકરી કરે છે

MailVadodara.com - Thugs-sitting-next-to-him-took-Rs-50-thousand-from-the-pocket-of-a-passenger-sitting-in-a-rickshaw-in-Padra

- મકાનના સમારકામ માટે રાજેશકુમારે મિત્ર પાસેથી પૈસા ઉછીના લીધા હતા

વડોદરાના પાદરામાં મુસાફરોને બેસાડી તેમના ખિસ્સામાંથી રોકડ અથવા તો સામાન-દાગીનાની ઠગાઇ કરતી ટોળકી પુન: સક્રિય થઇ ગઇ છે. ઓટો રિક્ષામાં મુસાફરી કરી રહેલા લતીપુરા ગામના વ્યક્તિને 50 હજાર ગુમાવવાનો વારો આવ્યો છે. રિક્ષામાં સવાર અન્ય મુસાફરે લતીપુરા ગામના વ્યક્તિના ખિસ્સામાંથી રૂપિયા 50 હજાર સેરવી રફૂચક્કર થઇ ગયાની ઘટના પાદરા પોલીસ મથકમાં નોંધાઇ છે.

આ બનાવની વિગત એવી છે કે, પાદરા તાલુકાના લતીપુરા ગામમાં વણકરવાસમાં રહેતા 55 વર્ષિય રાજેશકુમાર હરમનભાઇ વાઘેલા ખાનગી કંપનીમાં સિક્યુરિટી જવાન તરીકે નોકરી કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. હાલ તેઓ પોતાના મકાનનું સમારકામ કરી રહ્યા છે. બે દિવસ પહેલાં રાજેશકુમાર વાઘેલા વડોદરા ફતેગંજ ખાતે રહેતા અને ગોત્રી રોડ નટુભાઇ સર્કલ પાસે આવેલી ઓફિસમાં નોકરી કરતા મિત્ર નગીનભાઇ વાઘેલા પાસે આવ્યા હતા. જ્યાં તેમણે મકાનના સમારકામ માટે રૂપિયા 50 હજાર રોકડા ઉછીના લીધા હતા. આ રોકડ રકમ લઇ તેઓ પાદરા જવા નીકળ્યા હતા. 

પાદરા ગયા બાદ રાજેશકુમાર ફ્રૂટ ખરીદીને ચાલતા જતા હતા. તે સમયે એક ઓટો રિક્ષા ચાલક તેમની પાસે પહોંચ્યો હતો અને ક્યાં જવું છે? તેમ પૂછતા રાજેશકુમારે લતીપુરા ગામ જવાનું જણાવ્યું હતું. જે બાદ રિક્ષા ચાલકે અમે પણ લતીપુરા જઇએ છે, બેસી જાવ. તેમ જણાવતા તેઓ બેસી ગયા હતા.  આ દરમિયાન ઓટો રિક્ષામાં લતીપુરા જવા નીકળેલા રાજેશકુમારના ખિસ્સામાંથી બાજુમાં બેઠેલા ઠગ મુસાફરે રૂપિયા 50 હજાર સિફતપૂર્વક કાઢી લીધા હતા. રિક્ષા ચાલકે રાજેશકુમારને રસ્તામાં ઉતારી ફરાર થઇ ગયા હતા. બાદમાં રાજેશકુમારને પોતાના ખિસ્સામાં રૂપિયા 50 હજાર મળી ન આવતા ચોંકી ઉઠ્યા હતા.

આ અંગે રાજેશકુમાર વાઘેલાએ પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પાદરા પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા ઓટો રિક્ષા ચાલક અને તેમજ રિક્સામાં સવાર અજાણ્યા મુસાફર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ બનાવથી પાદરામાં ચકચાર મચી ગઇ હતી.

Share :

Leave a Comments